નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ખેડૂતો, માછીમારો અને પશુપાલકોનું કલ્યાણ ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ આ વર્ગોના હકો અને હિતોનું રક્ષણ કરવા માટે વ્યક્તિગત રીતે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે, ભારત તેના ખાદ્ય પ્રદાતાઓ સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.
પ્રધાનમંત્રી મોદી, આજે નવી દિલ્હીના આઈસીએઆર પુસા ખાતે આયોજિત એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદ ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ભારતમાં કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર અને ટકાઉ બનાવવામાં પ્રોફેસર સ્વામિનાથનના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ડૉ. સ્વામિનાથને બતાવ્યું કે વિજ્ઞાન ફક્ત શોધનું સાધન જ નહીં પરંતુ વિતરણનું પણ માધ્યમ હોવું જોઈએ. તેમના સંશોધન દ્વારા, તેમણે ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા પ્રેરણા આપી. તેમના વિચારો હજુ પણ આપણી નીતિઓ અને કૃષિ વિજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે.
મોદીએ કહ્યું કે, હરિયાળી ક્રાંતિના પિતા ગણાતા ડૉ. સ્વામિનાથનનું યોગદાન ફક્ત કૃષિ ઉત્પાદન સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેમણે જૈવવિવિધતા અને જૈવ-સુખ જેવા વિચારો દ્વારા સ્થાનિક સમુદાયોને પણ સશક્ત બનાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ડૉ. સ્વામિનાથન માનતા હતા કે જૈવવિવિધતા દ્વારા સ્થાનિક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
તેમણે માહિતી આપી કે, ડૉ. સ્વામિનાથનની યાદમાં એમએસ સ્વામિનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ શરૂ કરવામાં આવ્યો છે, જે વિકાસશીલ દેશોના તે વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમણે ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પુરસ્કારના પ્રથમ વિજેતા નાઇજીરીયાના પ્રોફેસર બન્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ભારત ચોખા, ઘઉં, કપાસ, શાકભાજી અને માછલી ઉત્પાદનમાં વિશ્વમાં ટોચના સ્થાને છે. તેમણે કહ્યું, સોયાબીન, મગફળી અને સરસવ જેવા પાકોનું ઉત્પાદન પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ આપણા ખેડૂતોની મહેનત અને સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓનું પરિણામ છે. સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, પીએમ-કિસાન સન્માન નિધિ, પીએમ-સંપદા યોજના અને તાજેતરમાં શરૂ કરાયેલ પીએમ ધન-ધન્ય યોજના જેવા કાર્યક્રમો ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને ખેતીને નફાકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ, વૈજ્ઞાનિકોને ખાદ્ય સુરક્ષાની સાથે પોષણ સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા અને કુદરતી ખેતી, પાક વૈવિધ્યકરણ અને આબોહવા પ્રતિરોધક જાતો પર સંશોધનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તેમણે કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીઓને કૃષિ સાથે જોડવાનું પણ સૂચન કર્યું.
તેમણે કહ્યું કે, આપણી પાસે પરંપરાગત કૃષિ જ્ઞાનનો વારસો છે જેને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને એક સર્વાંગી કૃષિ પ્રણાલી બનાવી શકાય છે. પ્રધાનમંત્રીએ યુવા વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને ખેડૂતો માટે નવીનતા લાવવા અને ભારતને 'લીલા ઉત્પાદન'માં અગ્રેસર બનાવવા વિનંતી કરી.
પ્રધાનમંત્રી મોદીએ, ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવાને સરકાર માટે ગર્વની વાત ગણાવી અને કહ્યું કે, તેમના વિચારો આવનારા દાયકાઓ સુધી ભારતની નીતિઓનું માર્ગદર્શન કરતા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ