અમરેલી, 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વસેલું પીઠવડી ગામ વિકાસના દ્રષ્ટિકોણથી એક અનોખું ગામ ગણાય છે. અહીં ના દાતાઓના સહયોગથી અનેક મહત્વની લોકહિતની સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો થવા પામ્યા છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.
કિરીટકુમાર દવેએ જણાવ્યું કે, પોતાની ઉંમર 60 વર્ષની છે અને અભ્યાસ 10 ધોરણ સુધી કર્યો છે પોતે ગામના નાગરિક છે પીઠવડી ગામ શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે.ગામમાં ધોરણ 1થી લઈને 12 સુધીની તમામ શાળાઓ ઉપલબ્ધ છે. આ શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેનું બાંધકામ દાતાઓના સહયોગથી કરાયું છે. આધુનિક કક્ષાની કક્ષાઓ, શૈક્ષણિક સાધનો અને પ્રેરક શિક્ષકોના કારણે ગામના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે છે. પીઠવડીના લોકો માટે આ શાળાઓ માત્ર ભણવાની જગ્યા નથી, પણ ભવિષ્યના ઉજાસ તરફ લઇ જતી ચાવી બની છે.
આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે સજાગતા
ગામમાં આરોગ્યસંભાળ માટે પણ સમર્પિત સુવિધાઓ છે. પીઠવડીમાં બે દવાખાનાઓ કાર્યરત છે – જેમાં એક આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત છે અને બીજી આયુર્વેદિક દવાખાનાની છે. બંને દવાખાનાઓ દિનચર્યાના આયોજિત સમયે ગ્રામજનોને આરોગ્યસંભાળ પૂરી પાડે છે. શાળામાં આરોગ્ય ચકાસણીઓ અને નાની તકલીફોના તાત્કાલિક નિદાન માટે આ સુવિધાઓ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે.
ગ્રામ્ય વિકાસ અને નાગરિક સુવિધાઓ
પીઠવડી ગામનો વિકાસ દાતાશ્રય, સંકલન અને લોકસહભાગિતાનું જીવંત ઉદાહરણ છે. ગામમાં પ્રવેશદ્વારથી શરૂ કરીને આર.સી.સી. અને પેવર બ્લોકથી બનેલા રસ્તાઓ સુધી, ગામના દેખાવ અને ઉપયોગિતા બંને સુધારાયાં છે. ગામમાં પીવાનું પાણી, બેઠકો માટેના બાંકડા સહિતની સુવિધાઓ બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ છે. બેંક જેવી નાણાકીય સેવાઓ પણ ગામમાં ઉપલબ્ધ છે, જેના દ્વારા ખેડૂતો અને નાના વેપારીઓને વ્યવહારોમાં સરળતા રહે છે.
પંચાયત અને પીવાના પાણી માટેના પ્રયાસો
ગામની સરપંચશ્રી ભૌતિકભાઈ સુહાગ્યા ગામના વિકાસમાં આગળ રહે છે. ઉનાળાની ઋતુમાં જ્યારે પાણીની તંગી હોય ત્યારે તેઓ પોતાની વાડીએથી એક કિલોમીટર દૂરથી પાણી લાવીને ગામલોકોને વિતરણ કરે છે. આવા માનવતાભર્યા પ્રયાસો ગામને જીવંત અને એકજૂટ રાખે છે. ગ્રામ પંચાયતના કાર્યાલય દ્વારા ગામના તમામ નાગરિક કાર્યો સરળતાથી પાર પાડવામાં આવે છે.
આર્થિક જીવન અને વસવાટની સ્થિતિ
પીઠવડી ગામની અંદાજિત વસ્તી 4,500 જેટલી છે. જેમાંથી આશરે 2,000થી 2,500 લોકો ગામમાં નિવાસ કરે છે અને ખેતી, પશુપાલન તથા વિવિધ નાના વ્યવસાયોમાં સંકળાયેલા છે. ગામના ઘણા લોકો રોજગારી અને વ્યવસાયની શોધમાં અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા નગરોમાં વસે છે. તેમ છતાં, તેઓ ગામ સાથે લાગણીપૂર્વક જોડાયેલા રહે છે અને તેમનો હિસ્સો પણ ગામના વિકાસમાં આપે છે.
પીઠવડી ગામ એ માત્ર એક વસવાટ નક્કી કરેલું સ્થળ નથી, તે એક વિચારોના પરિવર્તનનું પ્રતિક છે. દાતાશ્રય, સામૂહિક સહકાર અને સંગઠિત પ્રયત્નોથી એક સામાન્ય ગામ આજે અનેક સુવિધાઓથી સભર છે. પીઠવડી આજના સમયમાં એ વાતનો સાક્ષી છે કે જ્યારે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે છે ત્યારે તે માત્ર વિકાસ પામતું નથી, પરંતુ અન્ય માટે માર્ગદર્શક બની જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai