સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં સવાણી એસ્ટેટ ખાતે રામ દર્શન બિલ્ડીંગમાં હીરાનું કારખાનું ધરાવતા વેપારી પાસે બે યુવકો રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. બાદમાં બંને યુવકોએ ભેગા મળી વેપારીની નજર ચૂકવી ખાતામાંથી રૂપિયા 80,000 ની કિંમતના 3.57 કેરેટના હીરાની ચોરી કરી બંને ઈસમો પલાયન થઈ ગયા હતા. જેથી બાદમાં વેપારીને ચોરીની જાણ થતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ બનાસકાંઠાના વતની અને હાલમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેનાલ રોડ પર આવેલ સમર્પણ હાઇટ્સમાં રહેતા સંજય કુમાર નટવરલાલ મોદી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વરાછા વિસ્તારમાં આવેલ સવાણી એસ્ટેટમાં રામદર્શન બિલ્ડીગમાં પ્લોટ નંબર 11મા તેમનું હીરાનું કારખાનું આવેલું છે. સંજય કુમારના ખાતામાં પાંચ દિવસ પહેલા જ અજય સોલંકી અને રમેશ નામના બે કર્મચારીઓ નોકરી કરવા માટે આવ્યા હતા. સંજય કુમારના ખાતામાં કામ કરતા અન્ય કારીગરને ભલામણથી બંનેને નોકરી પર રાખ્યા હતા અને તેઓ પણ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન તારીખ 1/8/2025 થી 5/8/2025 ના સમયગાળા દરમિયાન અંદર જ ખાતામાંથી 3.57 કેરેટના રૂપિયા 80,000 ના ચોરી કરી તેની જગ્યાએ ડુપ્લીકેટ હીરા મૂકી બદલો મારી ફરાર થઈ ગયા હતા. જેથી બાદમાં સંજય કુમાર ને જાણ થતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજે સોલંકી અને રમેશ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે