મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળાનું દેશની શ્રેષ્ઠ પીએમશ્રી શાળાઓમાં સ્થાન થતાં સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ છે. કેન્દ્રશાસિત શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંગમ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શ્રેષ્ઠ પીએમશ્રી શાળાની યાદી જાહેર કરી હતી. ગુજરાતની ૪૪૮ પીએમશ્રી શાળાઓમાંથી માત્ર ૩૩ને શ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં વિઠોડાની શાળાનો પણ સમાવેશ થયો છે.
શાળાની આ સિદ્ધિ પાછળ એનઈપી–૨૦૨૦ના ઉદ્દેશ્યોને અનુરૂપ કાર્યો અને સર્વાંગી વિકાસ પર અપાયેલ ખાસ ભાર મુખ્ય કારણ છે. પુસ્તકપરક અભ્યાસની બહાર બાળકોના જીવનપ્રથમ કૌશલ્યના વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નવીન અભિગમ સાથે શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. પરિણામે શાળાનું સ્થાન દેશની શ્રેષ્ઠ પીએમશ્રી શાળાઓમાં નિશ્ચિત થયું છે.
નવી દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમને શાળામાં લાઈવ જોયું હતું જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓ, શાળાના શિક્ષક, બાળકો, વાલીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર મહેસાણા જિલ્લામાંથી આ ઉપલબ્ધિને અભિનંદન મળી રહ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR