પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી ચાલતા ચોરી, લૂંટ, ખંડણી અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વોન્ટેડ તરીકે યાદીબદ્ધ થયેલા આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફરલોની ટીમે રાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો હતો. આરોપી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. ત્યારબાદ, પોલીસે બુકડી વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલી મારામારીના ગુના સંદર્ભે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.
આ રિકન્સ્ટ્રક્શન દરમ્યાન, આરોપી ઝહીરખાનને જાહેરમાં સરઘસ સ્વરૂપે બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસના આ પગલાનો હેતુ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે એક સ્પષ્ટ સંદેશ આપવાનો અને ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર