મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ મહિલા આઈ.ટી.આઈ. ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો અને શાળાની દીકરીઓને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી.આ પ્રસંગે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, શાળામાં અભ્યાસ માટેની યોજનાઓ તથા કૌશલ્ય વર્ધન અંગેની યોજનાઓની વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવી. વધુમાં, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી, જેમાં મહિલાઓ કયા સંજોગોમાં આ હેલ્પલાઇનની મદદ મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને યુવતીઓને તેમના અધિકારો, સરકારી યોજનાઓ અને સુરક્ષા સંબંધિત સેવાઓ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ