અરવલ્લી જિલ્લામાં, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫ ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ શામળાજી ખાતે ધામધૂમથી યોજાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ,શામળપુર, શામળાજી ખાતે મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ઉજવવામાં
World Tribal Day celebrated in Aravalli district


મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫ ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ શામળાજી ખાતે ધામધૂમથી યોજાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ,શામળપુર, શામળાજી ખાતે મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ઉજવવામાં આવશે.

આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સમુદાયની સાંસ્કૃતિક વિરાસત, ગૌરવ અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાનો છે.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જળ, જંગલ, જમીન, પૃથ્વી ઉપરના માનવ, જીવસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિના સંરક્ષણના મહત્વને રેખાંકિત કરે છે. ગુજરાતની ભાતીગળ સાંસ્કૃતિક વિરાસતના ભાગરૂપે, અરવલ્લી પર્વતની ડુંગરમાળામાં દાંતાથી ડાંગ સુધીના વિસ્તારમાં આદિવાસી સમુદાયે પોતાની આગવી જીવનરીતિ અને સંસ્કૃતિને જાળવી રાખી છે. વૈશ્વિક પરિવર્તનો અને સાંસ્કૃતિક આક્રમણો વચ્ચે પણ આદિવાસી પ્રજાજનોએ પોતાની ગરિમાયુક્ત ઓળખને અકબંધ રાખી છે, જે તેમની અદ્ભુત સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે.

આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં પરંપરાગત નૃત્ય, સંગીત અને કળાઓનું પ્રદર્શન યોજાશે. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત રોજગારી, પરિણામલક્ષી શિક્ષણ, આર્થિક વિકાસ, આરોગ્ય સેવાઓ, શુદ્ધ પીવાનું પાણી, સિંચાઈ, બારમાસી રસ્તાઓ અને સાર્વત્રિક વીજળીકરણ જેવી સુવિધાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે. એકલવ્ય મોડેલ સ્કૂલ, જે આદિવાસી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, રહેઠાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે, તેની ભૂમિકાને પણ ઉજાગર કરવામાં આવશે.

આદિવાસી યુવાનોને તેમની ક્ષમતાઓ વિકસાવવા અને સમાજમાં પરિવર્તનના પ્રેરક બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસી સમુદાયના યોગદાનને બિરદાવવા પુરસ્કારો અને સન્માન સમારોહ પણ યોજાશે.અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આદિવાસી સમુદાયના ઉત્થાન અને તેમની સાંસ્કૃતિક ઓળખના જતન માટે કટિબદ્ધ છે. સૌને આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande