મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લામાં ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં ૧,૬૮,૯૬૧ હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાના ખેડૂતો દ્વારા મગફળીનુ વાવેતર ૫૮૨૧૬ હેક્ટરમાં કરેલ છે. તેલીબિયા પાકોનુ વાવેતર જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે. તેલીબિયા પાકોમાં સલ્ફર તત્વ તેલની ટકાવારી વધારવા ખૂબ જરૂરી હોય છે. જેને ધ્યાને રાખી ખેડૂતો સલ્ફરયુક્ત ખાતરનો ઉપયોગ કરે તે જરૂરી છે. મગફળીના કેટલાક વિસ્તારોમાં પીળાશનુ પ્રમાણ જોવા મળેલ છે. જેમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસીડ (લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી લગભગ ૫૦૦ લીટર પાણીનું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ આઠ થી દસ દિવસના અંતરે કરવાની ભલામણ
કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. આ સિવાય મગફળીમાં કાળી ફૂગ (ઉગસૂકનો રોગ) અને સફેદ ફૂગનો પ્રશ્ન પણ જોવા મળે છે જેમાં ટ્રાઇકોડર્મા વિરીડીનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગ ઓછો જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ