ગરીબ વૃદ્ધને PMJAY ની સહાયથી નવ જીવન મળ્યું
અમરેલી, 8 ઓગસ્ટ (હિ.સ.): અમરેલીના જાળીયા ગામના કૃષિકર્મી સુરેશભાઈ સોલંકી માટે તા. 3 ઓગસ્ટની સવાર થોડી ભારે હતી ! તેમને છાતીમાં હળવો હળવો દુઃખાવો ઉપડે છે, જે વધતો જાય છે, થોડી ગભરામણ થવા લાગે અને ચક્કર પણ આવે છે. તબીબી તપાસ કરી તો હાર્ટ એટેક હોવાનું
ગરીબ વ્યક્તિ ને નવ જીવન મળ્યું


અમરેલી, 8 ઓગસ્ટ (હિ.સ.): અમરેલીના જાળીયા ગામના કૃષિકર્મી સુરેશભાઈ સોલંકી માટે તા. 3 ઓગસ્ટની સવાર થોડી ભારે હતી ! તેમને છાતીમાં હળવો હળવો દુઃખાવો ઉપડે છે, જે વધતો જાય છે, થોડી ગભરામણ થવા લાગે અને ચક્કર પણ આવે છે. તબીબી તપાસ કરી તો હાર્ટ એટેક હોવાનું માલુમ થયું. પરિવારજનોને ચિંતાઓ ઘેરી વળે છે. પરંતુ એક રાહત પણ હતી, કે તેમની પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ હતું.

પરિણામે 45 વર્ષીય સુરેશભાઈને અદ્યતન સારવાર મળે છે, મેડિકલ પ્રોટોકોલ મુજબ તેમની એન્જિયોગ્રાફી અને બાદમાં એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવે છે. આજે એન્જિયોપ્લાસ્ટિના ત્રણ દિવસ બાદ એક તેમની તબિયત એકદમ સ્થિર અને સુધારા પર છે.

આ વિકટ સ્થિતિમાં સુરેશભાઈના પરિવાર અને તેમના સ્નેહીજનો થોડી નિરાંત એટલા માટે અનુભવતા કે, આયુષ્માન કાર્ડ હોવાથી અદ્યતન અને સુવિધાસભર ખાનગી હોસ્પિટલમાં સારવાર તો મળી પણ તબીબી ખર્ચની કોઈ ચિંતા ન હતી.

સુરેશભાઈની સારવારની વિગતે વાત કરતા અમરેલી ખાતેની સમ્યક હોસ્પિટલના ડો. નિસર્ગ પટેલ કહે છે કે, હોસ્પિટલમાં દાખલ થતાં લક્ષણોના આધારે ઈસીજી, ટ્રોપોમીન વગેરે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેના આધારે રક્તવાહિનીઓમાં બ્લોકેજ હોવાનો પ્રાથમિક ખ્યાલ આવ્યો. તેમણે કહ્યુ કે, અહીંની હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શોભા નંદ ઝા એ, આ બ્લોકેજનો સચોટ ખ્યાલ મેળવવા માટે એન્જિયોગ્રાફી કરવાનું નક્કી કર્યું. આ તપાસમાં બે રક્તવાહિનીઓમાં બ્લોકેજ હોવાથી સામે આવ્યું, આથી સફળતાપૂર્વક એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી.

ડૉ. નિસર્ગ પટેલ કહે છે કે, આ પ્રકારની સારવાર અઢીક લાખ રુપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લોકોને રુ.10 લાખની મર્યાદામાં સારવાર મળે છે. જે સામાન્ય પરિવારો માટે તો આશીર્વાદરુપ નીવડે છે.

સુરેશભાઈ સોલંકી સ્વસ્થપણે કહે છે કે, આયુષ્માન કાર્ડ હોવાથી સારી અને સંતોષકારક સારવાર મળી છે.

ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકના કિસ્સામાં રક્તવાહિનીઓના ક્ષતિગ્રસ્ત ભાગ કે રક્ત પરિભ્રમણમાં અવરોધિત જગ્યા શોધવા માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. આ એક ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા છે.

જેમાં દર્દીના હાથ કે સાથળના ભાગની નસમાં સોઈની મદદથી એક ફ્લેક્સિબલ વાયર નાખવામાં આવે છે. આ વાયરમાં ડાય નાખવામાં આવે છે. જેથી બ્લોકેજને આસાનીથી જોઈ શકાય છે. આ માટે અત્યાધુનિક એક્સ-રે ઇમેજિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

આમ, હૃદયમાં રક્તવાહિનીઓમાં બ્લોકેજની તપાસની આધારે તુરંત એન્જિયોપ્લાસ્ટિ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવે છે અને એન્જિયોગ્રાફી માટે નસમાં નાખવામાં આવેલા તાર દ્વારા જ બ્લોકેજ સુધી એક સ્ટેન્ટ (સ્પ્રિંગ) અને બલૂન પહોંચાડવામાં આવે છે અને જે લોકેજનો ભાગ છે ત્યાં બલૂનને તબીબી પ્રક્રિયા મુજબ ફૂલવવામાં આવે છે. જેથી બ્લોકેજ દૂર થાય છે અને ફરી બ્લોકેજ ન થાય એ માટે સ્ટેન્ટ - સ્પ્રિંગ રાખી મૂકવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયા નિષ્ણાંત તબીબો કૅથ લેબ (એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ માટે વિશેષરુપથી સુજ્જિત કક્ષ)માં એક્સ રે ઇમેજિંગની મદદથી કરે છે. આમ હૃદય સુધી રક્ત પ્રવાહ પૂર્વવત બને છે. સુરેશભાઈ સોલંકીના કેસમાં પણ આ જ રીતે સારવાર - સર્જરી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લા આરોગ્યતંત્ર જરુરિયાતમંદ અને આયુષ્માન કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટે જરુરી દેખરેખ રાખવામાં આવે છે અને પાત્રતા ધરાવનાર એક પણ વ્યક્તિ આયુષ્માન કાર્ડ વગર ન રહે તે માટે પ્રતિબદ્ધતા સતત પરિશ્રમ ઉઠાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande