યરુસલેમ, નવી દિલ્હી, 08 ઓગસ્ટ (હિ.સ.). ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટતા કરી છે કે, તેમનો દેશ ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાનો ઇરાદો ધરાવતો નથી, પરંતુ ઉદ્દેશ્ય ગાઝાને હમાસથી મુક્ત કરવાનો અને શાંતિપૂર્ણ વહીવટ સ્થાપિત કરવાનો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સુરક્ષા મંત્રીમંડળે ગાઝા શહેરને નિયંત્રિત કરવા માટે ઝુંબેશના મોટા વિસ્તરણને મંજૂરી આપી છે.
શુક્રવારે સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક સંદેશમાં નેતન્યાહૂએ કહ્યું, ગાઝાને નિઃશસ્ત્ર કરવામાં આવશે અને ત્યાં એક નાગરિક વહીવટ સ્થાપિત કરવામાં આવશે, જે ન તો પેલેસ્ટિનિયન ઓથોરિટી, ન હમાસ કે ન તો અન્ય કોઈ આતંકવાદી સંગઠન હશે. આ આપણા બંધકોને મુક્ત કરવામાં અને ભવિષ્યમાં ગાઝાને ઇઝરાયલ માટે ખતરો બનતા અટકાવવામાં મદદ કરશે.
ગુરુવારે એક ટીવી ઇન્ટરવ્યુમાં, તેમણે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણનો સંકેત આપ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને સાથીઓની ચિંતા પછી, તેમણે પોતાની ભાષા નરમ કરી. વિશ્લેષકો માને છે કે, કબજો શબ્દ ટાળવાનું એક કારણ એ છે કે જો આવું કાયદેસર રીતે થાય છે, તો ઇઝરાયલ ત્યાં મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે બંધાયેલુ રહેશે.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથેની વાતચીતમાં, નેતન્યાહૂએ આ જ વલણનો પુનરોચ્ચાર કર્યો અને જર્મની દ્વારા શસ્ત્ર નિકાસ સ્થગિત કરવા પર નિરાશા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ