બેંગલુરુ, નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રવિવારે (10 ઓગસ્ટ) કર્ણાટકના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજ્યના રાધાણી બેંગલુરુમાં પરિવહન માળખાના વિસ્તરણ સંબંધિત બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જ્યારે બીજા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 10.30 વાગ્યે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા મેખરી સર્કલ હેલિપેડ પહોંચશે. ત્યાંથી રોડ માર્ગે બેંગલુરુના ક્રાંતિવીર સંગોલી રાયન્ના રેલ્વે સ્ટેશન (કેએસઆર) પહોંચશે અને સવારે 11.10 વાગ્યે બેંગલુરુ-બેલગામ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી અમૃતસર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને અજની-પુણે રૂટ પર ચાલતી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.
આ પછી, પ્રધાનમંત્રી રોડ માર્ગે રાગીગુડ્ડા મેટ્રો સ્ટેશન જશે અને મેટ્રો યલો લાઇન (આરવી રોડ-બોમ્માસંદ્રા) રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી પોતે 5,056.99 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 19.15 કિમી લાંબી, 16 સ્ટેશન લાઇન પર ઇલેક્ટ્રોનિક્સ સિટી સુધી મેટ્રો ટ્રેન દ્વારા મુસાફરી કરશે.
મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યા પછી, પ્રધાનમંત્રી બપોરે 1 વાગ્યે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) બેંગ્લોરના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં મેટ્રો ફેઝ-III ઓરેન્જ લાઇન (44.65 કિમી, 15,611 કરોડ રૂપિયા) નો શિલાન્યાસ કરશે. આ પછી, તેઓ બપોરે 2.40 વાગ્યે એચએએલ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે.
પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને, બેંગ્લોર પોલીસે મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. કારણ કે નમ્મા મેટ્રો યેલ્લો લાઇનના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને, હોસુર રોડ, સિલ્ક બોર્ડ જંકશન અને ઇલેક્ટ્રોનિક્સ સિટી જંકશન પર ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ મહાદેવપ્પા/ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ