અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર સાહેબના સુચનાના અનુસંધાનમાં સમગ્ર રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને પરિવહન પર કડક પગલાં લેવા પોલીસ તંત્ર સક્રિય થયું છે. આ માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબે પણ જિલ્લાની અંદર ખાણ-ખનીજ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી બંધ કરવા અને આવા કામોમાં સંકળાયેલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે.
તે અનુસંધાને, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. એમ. કોલાદરા સાહેબની આગેવાની હેઠળ એલ.સી.બી.ની વિશેષ ટીમે છેલ્લા એક માસ દરમિયાન જિલ્લાની વિવિધ જગ્યાઓ પર તગડી પેટ્રોલીંગ હાથ ધરી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી (ખનીજ)ની ચોરી કરતા કુલ ૦૯ વાહનો ઝડપી પાડવામાં આવ્યા, જેમાંથી ૦૭ ડમ્પર અને ૦૨ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ખાણ-ખનીજ કાયદા હેઠળ ડીટેઇન કરી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ સફળ કામગીરીથી અમરેલી જિલ્લામાં ખાણ-ખનીજની ગેરકાયદેસર ચોરીમાં મોટો ફટકો વાગ્યો છે. પોલીસની આ કાર્યવાહીના પરિણામે ખનીજ માફિયાઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી એલ.સી.બી.ની આ કામગીરી દર્શાવે છે કે પોલીસ તંત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને એકદમ સજાગ અને પ્રતિબદ્ધ છે. આવનારા દિવસોમાં પણ આવા કડક પગલાં સતત લેવામાં આવશે જેથી ખાણ-ખનીજની ચોરી પર પૂર્ણવિરામ આવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai