વડોદરા, 10 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ દ્વારા આજે સુસેન સર્કલ ખાતે ચાલી રહેલી રોડ પેચ વર્કની કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચોમાસાના સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ સર્જાતા વાહનવ્યવહાર તથા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ખાડાઓ ભરવાની કામગીરીને તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અદ્યતન જેટ મશીનની મદદથી ખાડાઓનું સમારકામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોને રાહત મળે.
કમિશ્નરે જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં-જ્યાં ખાડાઓની ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે, ત્યાં પાલિકા તાત્કાલિક પેચ વર્ક હાથ ધરી રહી છે. આ કામગીરી માટે ખાસ ટીમો કાર્યરત છે જે દિવસે-રાત્રે મેદાનમાં રહીને માર્ગોને સમાન બનાવી રહી છે. પર હાજર અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ગુણવત્તા સાથે ત્વરિત કામ પૂર્ણ થાય અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત થાય.
નાગરિકોના હિત માટે પાલિકા દ્વારા ટેક્નોલોજી આધારિત ઉપકરણોનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં જેટ મશીન દ્વારા ગરમ મિશ્રણનો ઉપયોગ કરી ખાડાઓનું મજબૂત સમારકામ કરવામાં આવે છે. કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, “ચોમાસાની અસરને લીધે રસ્તાઓ પર પડેલા ખાડાઓનો પ્રશ્ન ગંભીર છે. પરંતુ અમારી પ્રાથમિકતા છે કે લોકોને અકસ્માત કે અસુવિધાનો સામનો ન કરવો પડે. તેથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.”
આ નિરીક્ષણ દરમ્યાન કમિશ્નરે સુસેન સર્કલ વિસ્તારમાં ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં પણ નાગરિકોની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા માટે પાલિકા કટિબદ્ધ રહેવાનો વિશ્વાસ આપ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના આ પ્રયત્નોથી શહેરવાસીઓને ચોમાસા દરમિયાન રાહત મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya