ગુવાહાટી, નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર
(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે આસામમાં 18,53૦ કરોડ રૂપિયાથી
વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
કરશે. આમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજનો સમાવેશ થાય છે.
સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા અને અશ્મિભૂત ઇંધણ પર
નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી આજે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (એનઆરએલ) ખાતે
આસામ બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં પોલીપ્રોપીલિન પ્લાન્ટનો
શિલાન્યાસ પણ કરશે.
રાજધાની ગુવાહાટીમાં ટ્રાફિક સુવિધાઓ વધારવા માટે ગુવાહાટી
રિંગ રોડ પ્રોજેક્ટનો, શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રહ્મપુત્ર નદી
પર કુરુવા-નરેંગી પુલનો શિલાન્યાસ કરવામાં આવશે.
ગઈકાલે સાંજે, વડાપ્રધાન મોદીએ ગુવાહાટીમાં ભારત રત્નથી સન્માનિત ગાયક અને
સંગીતકાર ડૉ. ભૂપેન હજારિકાના 100મા જન્મજયંતિ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે 100 રૂપિયાના સ્મારક
સિક્કાનું અનાવરણ કર્યું હતું અને 21 ભાષાઓમાં ભૂપેન હજારિકાના જીવનચરિત્રનું વિમોચન કર્યું
હતું.
વડાપ્રધાન મોદીએ 13-15 સપ્ટેમ્બર દરમિયાન શનિવારે, મિઝોરમથી ત્રણ દિવસનો તેમનો
પ્રવાસ શરૂ કર્યો હતો અને ત્યારબાદ તેઓ મણિપુર ગયા હતા. ત્યાંથી તેઓ સાંજે આસામની
રાજધાની ગુવાહાટી પહોંચ્યા હતા. 15 સપ્ટેમ્બરે, વડાપ્રધાન પશ્ચિમ બંગાળની રાજધાની કલકતામાં 16મા જોઈન્ટ
કમાન્ડર્સ કોન્ફરન્સ-2025નું ઉદ્ઘાટન કરશે
અને સશસ્ત્ર દળોના કમાન્ડરોને સંબોધિત કરશે. દર બે વર્ષમાં એક વાર યોજાતી 16મી જોઈન્ટ
કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન કલકતામાં કરવામાં આવી રહ્યું છે.
આ સાથે, 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ
રાષ્ટ્રીય માખાના બોર્ડનું લોન્ચિંગ કરશે. આ બોર્ડ મખાનાના બજાર, નિકાસ અને
બ્રાન્ડ વિકાસને સરળ બનાવશે, સાથે સાથે ઉત્પાદન અને નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન
આપશે. પ્રધાનમંત્રી પૂર્ણિયામાં એરપોર્ટના વચગાળાના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન
પણ કરશે. પ્રધાનમંત્રી પૂર્ણિયામાં લગભગ 36,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો
શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ભાગલપુરના પીરપૈંતી ખાતે, થર્મલ પાવર પ્રોજેક્ટનો
શિલાન્યાસ કરશે, જે બિહારમાં 25,000 કરોડ રૂપિયાનું
સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું રોકાણ હશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી 2680 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોસી-મેચી
આંતર-રાજ્ય નદી જોડાણ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ