-નવોત્થાન અને ગુજરાતી વિશેષ અંકનું વિમોચન કરવામાં આવ્યું
સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.): દેશની સૌપ્રથમ બહુભાષી ન્યુઝ એજન્સી હિન્દુસ્થાન સમાચાર દ્વારા કટોકટીના 50 વર્ષ વિષય પર કાર્યક્રમનું હવે આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હિન્દુસ્થાન સમાચારના અધ્યક્ષ અરવિંદ માર્ડીકરજી ની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલજી, કટોકટીના જીવંત સાક્ષી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ અજય કે. આરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના વરદ હસ્તે પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં કટોકટી સમયનું વર્ણન, વિવિધ મહાનુભાવો, રાજકીય વ્યક્તિના વિચારો પ્રદર્શન કરવામાં આવેલ તેમજ વિવિધ શાળાઓ, કોલેજ માંથી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ માંથી વિજેતા થયેલ વિદ્યાર્થીના ચિત્ર પણ લગાવવામાં આવ્યા હતા.
સુરતના મેયર દક્ષેશ માવાણી એ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, સુરત શહેરમાં આપત્કાળના ૫૦ વર્ષનું આ કાર્યક્રમ હિંદુસ્થાન સમાચાર દ્વારા કરવામાં આવ્યું છે, તે અભિનંદનને પાત્ર છે, કારણ કે સુરત શહેર પણ આપત્કાળના તે સમયનું સાક્ષી રહ્યું છે. જે સમય ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલો હતો. આ ભવ્ય આયોજન બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
આપત્કાળના જીવંત સાક્ષી અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા જણાવ્યું કે, આપત્કાળના દિવસોને મેં પોતાની આંખોથી સાક્ષાત્ જોયા છે અને હું પોતે પણ ખૂબ પીડિત થયો હતો, હું જેલમાં પણ ગયો હતો અને એ પણ જાણું છું કે લોકો કેટલા કપરા સમયમાંમાંથી પસાર થતા હતા. આવા કાર્યક્રમો નવી પેઢીને જાણકારી આપે છે કે આપત્કાળના તે દિવસો કેવા હતા. આવા કાર્યક્રમો સતત થતા રહેવા જોઈએ. હિંદુસ્થાન સમાચારએ આ ખૂબ સારું કાર્ય કર્યું છે, અમે તેની પ્રશંસા કરીએ છીએ.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલજીએ કહ્યું કે, આપત્કાળની પરિસ્થિતિનો અનેક લોકો એ સામનો કર્યો હતો, આ ઉપરાંત હિંદુસ્થાન સમાચારએ પણ આપતકાળના બંધનોને સહન કર્યા હતા, એટલે તેમને સારી રીતે ખબર છે કે, આપત્કાળની સ્થિતિ કેવી હતી, જેના આધારે તેઓ દેશભરમાં કાર્યક્રમો કરી રહ્યા છે. હું પણ આપત્કાળમાં મેરઠમાં રાત્રિના સમયે જેલ ગયો હતો. તેમાં ન જમાનત હતી, ન કોઈ કાયદો હતો અને ન કોઈ પરિસ્થિતિની ખબર પડતી હતી. તેમાં લાગે કે કોણ કેટલા દિવસ સુધી જેલમાં રહેશે તેની જાણ કોઈને ન પડતી. આપત્કાળમાં લોકો કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થતા હતા તે સમજવું મુશ્કેલ છે. અનેક મોટા વિદ્વાનોને સજા આપવામાં આવતી હતી અને તેમને પોતાને ખબર પડતી નહોતી કે ક્યારે કઈ જેલમાં નાખી દેવાશે અને ક્યારે મુક્ત થાશે. આપત્કાળના ૫૦ વર્ષના આ કાર્યક્રમથી હિંદુસ્થાન સમાચાર આજના યુવાનોને માહિતગાર કરી રહ્યા છે. આ કાર્ય અત્યંત સરાહનીય અને ઉલ્લેખનીય છે અને આ રીતે સૌએ કાર્ય કરતા રહેવું જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન કટોકટીના 50 વર્ષ ઉપર ગુજરાતી વિશેષ અંક અને હિન્દીમાં નવોત્થાન અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની પૂર્વે વિવિધ શાળાઓ અને કોલેજમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ચિત્ર મોકલ્યા હતા. જેમાંથી વિજેતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારા શિક્ષકો અને શાળાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ