જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમાં નવરાત્રિ પર્વે રોમિયોગિરી કરતા તત્ત્વો પર કાબુ રાખવા પોલીસતંત્રની 'સી' ટીમની બાજનજર રહેશે તેમ એસ.પી. ડો.રવિ સૈનીએ જણાવ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં આગામી ૨૨ સપ્ટેમ્બર થી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લાના તમામ સ્થળો પર યોજાતા નાના-મોટા ગરબા મહોત્સવ, કે જ્યાં સુરક્ષા વ્યવહારની દૃષ્ટિએ પોલીસતંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રી છે. અને જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની આગેવાનીમાં જુદા જુદા ગરબા આયોજનના સ્થળ પરનું નિરિક્ષણ કરાઈ રહ્યું છે.
આ ઉપરાંત પ્રત્યેક મોટા ગરબા મંડળના આયોજકો સાથે પોલીસ તંત્રની સુરક્ષા વિભાગની દૃષ્ટિએ બેઠક યોજવામાં આવી રહી છે, અને સીસીટીવી કેમેરા, સિક્યુરિટી વિભાગ, વાહન પાર્કિંગની વ્યવસ્થા સહિતના મુદ્દે સમીક્ષા કરવામાં આવી રહી છે.
નવરાત્રિના સમયગાળા દરમ્યાન આવારા તત્વો અથવા તો કોઈ રોમિયો તત્ત્વો અટકચાળા ન કરે, અથવા તો નવરાત્રિમાં ગરબા રમવા જનારી બહેન દીકરીઓની સુરક્ષાના ભાગરૂપે જામનગરના પોલીસ વિભાગની 'સી' ટીમ બાઝ નજર રાખશે.
શહેરના અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ 'સી' બનાવાઈ છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ ડ્રેસમાં રહેશે, જયારે કેટલાક પોલીસ કર્મચારીઓ જેમાં મહિલા પોલીસ કર્મચારી વગેરે ગરબાના પરંપરાગત ડ્રેસ સહિતના સાદા પહેરવેશમાં પણ જોડાશે, અને તમામ સ્થળોએ બાઝ નજર રાખશે.
તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિને અસુરક્ષા અથવા તો આવા કોઈ તત્ત્વોની કનડગત જણાય, તો પોલીસ વિભાગના ૧૧૨ નંબરમાં ડાયલ કરીને જાણ કરવા અથવા તો જામનગરના પોલીસ વિભાગનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસ વિભાગના અન્ય પોલીસ કર્મચારીઓ પોતાના શરીર પર બોડીવોર્ન કેમેરા પણ રાખીને ફરજ પર રહેશે, જેથી આવા કોઈ તત્ત્વોની હરકત હોય તો તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકાય તે માટે પણ પોલીસ ટીમ સજ્જ બનેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt