ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): વીજ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સાઇબર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ – પાવર (CSIRT-Power) દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના સહયોગથી એકતા નગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો.
આ વર્કશોપમાં કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ તથા દાદરા-નગર હવેલી સંઘપ્રદેશોમાંથી 200 થી વધુ પ્રતિનિધિશ્રીઓએ ભાગ લીધો.
અમિત અરોરા, IAS, મુખ્ય વહીવટદાર અને સીઈઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) તથા અગ્નીશ્વર વ્યાસ, IFS, ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, કેવડિયાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમની શોભા વધારી. અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમ કે એલ.કે.એસ. રાઠોડ (ડિરેક્ટર, સાઇબર સિક્યુરિટી, CSIRT-Power), શૈલેશકુમાર ગુપ્તા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, SECI), મહેશ મહેંદલે (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, WRLDC), ટી. શ્રીનિવાસ (સીઆઈએસઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગ્રીડ-ઈન્ડિયા) અને ડી.એચ. વસાવા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GSECL) ઉપસ્થિત રહ્યા હતાં.
અમિત અરોરાએ કેવડિયામાં ઉપસ્થિત સૌને આવકાર્યા અને તેમને એકતા નગર અને આસપાસના આકર્ષક સ્થળોની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. તેમણે વીજ મંત્રાલય, CSIRT-Power અને GSECLને આ વર્કશોપનું આયોજન કરવા બદલ આભાર માન્યો અને અદ્યતન ટેક્નોલોજી તથા વધતા સાયબર ખતરા વિષે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે અગ્નીશ્વર વ્યાસે ઉલ્લેખ કર્યો કે પાવર સેક્ટર અન્ય ક્ષેત્રોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને વધતા સાઇબર ખતરાઓને જોતા પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષાનું મહત્વ વધતું જાય છે.
સોમેશ બંદોપાધ્યાય, મેનેજિંગ ડિરેક્ટર, GSECL એ વર્ચ્યુઅલ રીતે જોડાઈને સૌનું સ્વાગત કર્યું અને સાઇબર સિક્યુરિટીના મહત્વ વિષે ચર્ચા કરી હતી.
એલ.કે.એસ. રાઠોડે આ પ્રસંગે જણાવ્યું કે CSIRT-Power 24x7 માળખા હેઠળ પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષા માટે કાર્યરત છે અને મંત્રાલયે સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા અનેક પગલાં લીધાં છે. તેમણે આ અભિયાનને પ્રોત્સાહન આપવા બદલ કેન્દ્રીય વીજ મંત્રી મનોહરલાલ ખટ્ટર, સચિવ (પાવર) પંકજ અગ્રવાલ, CEA અધ્યક્ષ ઘનશ્યામ પ્રસાદ અને CISO-MoP શ્રી આર.પી. પ્રધાનનો આ તબક્કે આભાર માન્યો હતો.
GSECLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.એચ. વસાવાએ જણાવ્યું હતું કે GSECL, ગુજરાત રાજ્યની એક પ્રગતિશીલ સંસ્થા છે, જે ભવિષ્યમાં ઉભા થતા સાયબર સિક્યુરિટી ખતરાઓને ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે કંપની હંમેશા ભવિષ્યના પડકારો, ખાસ કરીને સાયબર હુમલાઓ જેવા ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર રહે છે. ટી. શ્રીનિવાસ (ગ્રીડ-ઈન્ડિયા)એ સુરક્ષિત ગ્રીડ ઓપરેશનના મહત્વ વિષે વાત કરી હતી.
મહેશ મહેંદલે (WRLDC)એ પશ્ચિમ ક્ષેત્રમાં લેવાતા પ્રયત્નોની માહિતી આપી અને જણાવ્યું કે પશ્ચિમ રાજ્યોએ સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા પ્રોત્સાહિત પગલાં લીધા છે.
SECI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શૈલેષ કુમાર ગુપ્તાએ ભારતીય પાવર સેક્ટર પરના કોઈપણ નિકટવર્તી ખતરાનો સામનો કરવા માટે પાવર સેક્ટરના વ્યાવસાયિકો સક્ષમ બને તે માટે ક્ષમતા નિર્માણના પગલાં લેવા બદલ ઉર્જા મંત્રાલયનો આભાર માન્યો. તેમણે ગ્રીડ સાથે નવીનીકરણીય ક્ષમતાને સંકલિત કરવા અને સાયબર સુરક્ષા માટે SECI દ્વારા લેવામાં આવતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
ચંદ્રકાંત પેંડોરે (GUVNL)એ સંસ્થાની સાઇબર સુરક્ષા માળખાની વિગત આપી જેમાં 24x7 મોનિટરિંગ, ફાયરવોલ, એન્ટી-મેલવેર સિસ્ટમ તથા નિયમિત સુરક્ષા અપડેટ્સનો સમાવેશ થાય છે.
વર્કશોપ દરમિયાન ભાગ લેનારોએ સાઇબર સુરક્ષા પર શોર્ટ ફિલ્મ જોઈ, CSIRT-Power, CERT-In અને NCIIPC દ્વારા તકનીકી પ્રેઝેન્ટેશનો સાંભળ્યા તથા ક્વિઝ અને ચર્ચાઓમાં ભાગ લીધો.
કાર્યક્રમનું સંચાલન આશિષ ગોયલ (CSIRT-Power), પ્રતીક શ્રીવાસ્તવ (CSIRT-Power), વિજય ડોડીયા (GSECL) અને તેઓની ટીમે કર્યું.
આશિષ કુમાર લોહિયા (CSIRT-Power)એ આભાર વ્યક્ત કરીને વર્કશોપનું સમાપન કર્યું હતુંં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ