રાણાવાવ તાલુકામાં સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી સેવાઓનો પ્રસાર.
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્યભરમાં “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાણાવાવ ત
રાણાવાવ તાલુકામાં સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી સેવાઓનો પ્રસાર.


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્યભરમાં “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત રાણાવાવ તાલુકાની આરોગ્ય કચેરી દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ - હોસ્પિટલ સુધી ખાસ સ્ત્રીઓ અને બાળકોને કેન્દ્રમાં રાખીને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાણાકંડોરણાના તબીબી અધિકારી અને તેમની ટીમ દ્વારા બાપોદર ગામે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બિલેશ્વરના તબીબી અધિકારીઓ દ્વારા આદિતપરા ગામે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ સેવાઓ માત્ર રોગની સારવાર પૂરતી જ નહીં પરંતુ રોગપ્રતિકારક પગલાં, આરોગ્યમાં સુધારો અને જાહેર આરોગ્ય જાગૃતિ વધારવા માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પૂર્વ પ્રસુતિ અને પ્રસુતિ બાદની કાળજી, રસીકરણ, બાળ સ્વાસ્થ્ય, કિશોરી સ્વાસ્થ્ય, એનીમિયા નિયંત્રણ, માસિક સ્વચ્છતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ચેપી તથા બિનચેપી રોગોની તપાસ અને સારવાર સાથે સાથે મુખ્યમંત્રી અમૃતમ (MAA), આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ તથા આભા કાર્ડ જેવી સેવાઓ પણ ગ્રામ્ય કક્ષાએ આપવામાં આવી રહી છે.

આગામી તા. 20 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-બિલેશ્વર ખાતે, તા. 26 સપ્ટેમ્બર 2025ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર- રાણાવાવ ખાતે તેમજ તા. 27 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાણાકંડોરણા ખાતે મેડિકલ કોલેજ (GMERS) પોરબંદરના નિષ્ણાત તબીબો દ્વારા જુદી જુદી આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તાલુકા આરોગ્ય અધિકારી આર. જી. રાતડીયાએ સમગ્ર રાણાવાવ તાલુકાની પ્રજાને આ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ સ્વાસ્થ્ય લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande