પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સમોડા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ ગામમાં રહેતા લોકો માટે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં સ્વચ્છતા જાળવવી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પ્રોત્સાહિત કરવું છે.
ડસ્ટબીનનું વિતરણ સમોડા ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્રભાઈ ચૌધરી, ઉપસરપંચ સોનલબેન પોપટજી ઠાકોર, તલાટી કમ મંત્રી પિનાકીનભાઈ ચૌધરી અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ માટે અલગ-અલગ ડસ્ટબીન આપવામાં આવ્યા છે.
ગામ પંચાયત દ્વારા જણાવ્યું છે કે, ડસ્ટબીન ફક્ત તેવા પરિવારને આપવામાં આવ્યા છે જેઓ વર્ષ ૨૦૨૫-૨૬ નો વેરો ચૂકવ્યા છે. આ પ્રયાસ વેરાની નિયમિત ચુકવણી માટે પણ પ્રોત્સાહક છે. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સંદર્ભમાં શરૂ કરાયું છે અને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ