જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં જામનગરથી સેવા પૂજા કરવા માટે ગયેલા સંજય પ્રવીણભાઈ ભટ્ટ નામના 47 વર્ષના કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક આવી ગયો હતો, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, જેથી પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
જામનગરના ગાંધીનગર-મોમાઈ નગર વિસ્તારમાં રહેતા કર્મકાંડી પરિવારના સંજયભાઈ તથા તેના નાના ભાઈ બ્રિજેશભાઈ વગેરે ધ્રાફા ગામે આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરે પોતાના માતા-પિતા સાથે સેવા પૂજા કરવા માટે ગત 14 મી તારીખે ગયા હતા, અને મંદિરમાં ઇલેક્ટ્રીક વાયરીંગ ન હોવાથી બંને ભાઈઓ ઈલેક્ટ્રીક વાયરીંગ ખેંચવાનું કામ કરી રહ્યા હતા.
જે દરમિયાન સંજયભાઈને એકાએક ધ્રુજારી ઉપડી હતી, અને ઢળી પડતાં તેને બેશુદ્ધ અવસ્થામાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક સંજયભાઈના નાનાભાઈ બ્રિજેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળાના પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt