પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રી પર્વને લઈને શહેરના કાપડ બજારમાં જીવંતતા છવાઈ ગઈ છે. યુવતીઓ અને મહિલાઓ ગરબા માટે અવનવી ડિઝાઇનવાળી રંગબેરંગી ચણિયાચોળીઓની ખરીદીમાં મગ્ન છે. વેપારીઓ જણાવે છે કે યુવા હૈયાઓમાં ઉત્સાહનું જોરદાર વાતાવરણ જોવા મળે છે.
ચાલુ વર્ષે ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસ, ગામઠી ચણિયાચોળી, રાજસ્થાની ભરતકામવાળી, લેસવાળી તેમજ સાદી ચણિયાચોળીઓની વધુ માંગ ઉછળી છે. બજારમાં બાળકો, યુવક અને યુવતીઓ માટે રૂ. 300 થી લઈને રૂ. 5000 સુધીની વિવિધ વર્કવાળી ચણિયાચોળીઓ અને કેડિયા ઉપલબ્ધ છે.
શહેરના કાપડ બજારના વેપારી યોગેશભાઈ શાહે જણાવ્યું કે, ખરીદીનો માહોલ જામી ગયો છે અને દરેક બજરિયા શ્રેણીમાં પોશાકો ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ ભાવમાં થોડો વધારો થયો છે, છતાં પણ ગ્રાહકોમાં ઉત્સાહ ઘટ્યો નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ