જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા 35 વર્ષીય અખ્તર ખીરાની આજે (19મી સપ્ટેમ્બર) ત્રણ શખસોએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. જો કે, યુવાનને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી. અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મૃતક અખ્તરના પિતા રફિક ખીરા તથા અન્ય પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આ ઘટનાને લઈને પોલીસે મુસા, હુસેન જુણેજા અને આબીદની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાને આરોપી હુસેન જુણેજા પાસેથી વર્ષ 2023માં બે રિક્ષા ફાઈનાન્સમાં ખરીદ કરી હતી, અને બેન્ક હપ્તાના રૂપિયા આરોપીએ ભરવાના હતા. જેની સિક્યુરિટી પેટે મૃતક યુવાનને આરોપીએ બેન્કના ચેક આપી દીધા હતા.
પરંતુ આરોપીઓ ફાઈનાન્સની લોનની રકમ ભરતા ન હોવાથી તેના ચેક બેન્કમાં નાખતાં તે રિટર્ન થયા હોવાથી જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેનું મન દુઃખ રાખીને ત્રણેય આરોપીઓએ અખ્તર ખીરાને ઘેર બોલાવી તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt