સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તથા ગાંધીનગર ખાતે છેલ્લા એક વર્ષથી તરખાટ મચાવનાર અને ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરોને સાબરમતી રેલ્વે પોલીસે ઝડપી પાડયા છે તેમજ આરોપી પાસેથી ચોરીની 21 ટુ વ્હીલર કબ્જે કરી વાહનચોરીના કુલ્લે 24 ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા હતા.
પરીક્ષિતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક, રેલ્વેઝ,ગુજરાત રાજય અમદાવાદ તથા યશપાલ જગાણીયા, પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે અમદાવાદ તથા ચેતન મુંધવા વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલ્વે અમદાવાદ નાઓએ પશ્ચિમ રેલ્વે અમદાવાદ જીલ્લાના વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જેથી સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં હતી ત્યારે વાહન ચોરીના આરોપીઓ ધર્મેશ ગોવિંદભાઇ રાણા અને બહાદુર બુધ્ધાભાઇને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ શહેર તથા ગાંધીનગરમાંથી વાહનો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4.9 લાખની કિંમતની કુલ 21 ટૂ વ્હીલર કબ્જે કરી હતી. એટલુંજ નહીં પકડાયેલા આરોપી દ્વારા ચોરી કરેલા વાહનો જાણવા છતાં પોતાની પાસે રાખનારા અન્ય પાંચ આરોપીઓ સતીષ બાલાભાઇ સેનમા, સોહિલ અયુબખાન પઠાણ, અમૃતભાઇ કમાભાઇ પરમાર અને ઇબ્રાહિમ ઉસ્માનભાઈ ઘાંચીની પણ અટક કરવામાં આવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે