ભાવનગર રેલવે બોર્ડના સભ્ય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) નવીન ગુલાટીની, અમદાવાદ મંડળની મુલાકાત
સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ પુનઃવિકાસ કામોનું કર્યુ નિરીક્ષણ
ભાવનગર રેલવે બોર્ડના સભ્ય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) નવીન ગુલાટીની, અમદાવાદ મંડળની મુલાકાત


ભાવનગર 20 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર રેલવે બોર્ડના સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) નવીન ગુલાટીએ 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં આવેલા સાબરમતી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી. ગુલાટીએ સ્ટેશન સંકુલમાં લગાવવામાં આવેલા લઘુ મોડેલનું નિરીક્ષણ કર્યું, જેમાં પુનઃવિકાસિત સ્ટેશનના પ્રસ્તાવિત સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે સાબરમતી સ્ટેશનના જેલ બાજુના વિસ્તાર અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) નું પણ નિરીક્ષણ કર્યું, જેનો મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય પરિવહનના આગામી અને હાલના સાધનોને એકિકૃત કરવાનો છે જેમાં રેલવે, સિટી મેટ્રો નેટવર્ક, હાઇ સ્પીડ રેલ નેટવર્ક, સિટી BRT બસ નેટવર્ક અને સિટી બસ સેવાઓ સામેલ છે. સ્ટેશન સંકુલને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં યાત્રીઓની અવરજવર વધુ હશે અને સાથે જ યાત્રીઓની સુવિધાઓ અને બાંધકામની ગુણવત્તાના વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુલાટીએ એ પણ જણાવ્યું કે સાબરમતી ખાતે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) માં વંદે ભારત ટ્રેનસેટનું જાળવણી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે વર્ષ 2025 ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

આ પછી, આ ડેપોમાં વધુ વંદે ભારત ટ્રેનોનું સમયાંતરે ઓવરહોલ (POH) અને જાળવણી કામ કરી શકાશે. તેમણે રેલવેની ભાવિ યોજનાઓ તરફ સંકેત કરતાં જણાવ્યું કે રેલવે યાત્રીઓની સુવિધાઓને વિશ્વસ્તરીય બનાવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે અને આ માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નિરીક્ષણ દરમિયાન, ગુલાટીએ અમદાવાદ વિભાગમાં ચાલી રહેલા વિવિધ રેલવે પરિયોજનાઓની પ્રગતિ અંગે વિભાગના સિનિયર રેલવે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. તેમણે માહિતી આપી કે સાબરમતી અને સરખેજ વચ્ચે પ્રસ્તાવિત નવા બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ રેલવે લાઇન ભવિષ્યમાં અમદાવાદ વિસ્તારમાં રેલવે ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે. રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરશે અને ટ્રેનોની ગતિમાં વધારો થશે.

સાબરમતી-સરખેજ ડબલિંગ પ્રોજેક્ટ 21 કિમીના રેલવે રૂટને આવરી લે છે, જેના હેઠળ સાબરમતી ડી કેબિનથી સરખેજ સુધીની હાલની રેલવે લાઇનનું ડબલિંગ કરવામાં આવી રહ્યું છે. આ નવી બ્રોડગેજ (BG) ડબલ લાઇન હાલની લાઇનની સમાંતર પાથરવામાં આવશે. આ લાઇન 130 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ક્ષમતાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે, જે આ રૂટના ભારે ઉપયોગ અને યાત્રીઓ અને માલવાહક ટ્રાફિક બંને માટે મહત્વપૂર્ણ રહેશે.

આ પરિયોજના પ્રસ્તાવિત સરખેજ-ધોલેરા નવી બ્રોડગેજ ડબલ લાઇન માટે મુખ્ય પ્રસ્થાન બિંદુ તરીકે પણ કામ કરશે, જેનાથી પ્રાદેશિક રેલવે નેટવર્ક વધુ મજબૂત બનશે. હાલમાં, આ રૂટ પર માલસામાનનું લોડિંગ વાર્ષિક 2.46 મિલિયન ટન (MTPA) છે, જે પરિયોજના શરૂ થયાના પ્રથમ વર્ષમાં વધીને 4.65 MTPA અને અગિયારમા વર્ષ સુધીમાં 15.05 MTPA થવાનો અંદાજ છે. આ રૂટમાં ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ ત્રણ સ્ટેશન સામેલ છે. આ ઉપરાંત આ પરિયોજનામાં 16 નાના પુલ, 13 લિમિટેડ હાઈટ સબવે (એલએચએસ), 8 લેવલ ક્રોસિંગ અને ચાંદલોડિયા પાસે એક રેલ ફ્લાયઓવર (આરએફઓ) નું બાંધકામ પ્રસ્તાવિત છે.

સાબરમતી-સરખેજ પરિયોજના આ વિસ્તારમાં રેલવે ક્ષમતાના વિસ્તરણ અને ઉત્તમ કનેક્ટિવિટીની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે મજબૂત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે દિર્ધકાલિન સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરશે.

અમદાવાદ બાયપાસના ભાગરૂપે બારેજડી નાંદેજ (ગેરતપુર) અને સાણંદ વચ્ચે 38.20 કિલોમીટર લાંબી ચોથી રેલવે લાઈનનું બાંધકામ ઝડપી પ્રગતિ પર છે. આ પરિયોજનાને રૂ.961.67 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. સાબરમતી નદી પર 30.5 મીટર લાંબા 26 સ્પાન વાળો એક મોટો પુલ હાલમાં બાંધકામ હેઠળ છે. સિવિલ કામો માટે બે ટેન્ડર ખોલવામાં આવ્યા છે જેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

પરિયોજના હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે, પાંચ ગામો માટે જમીન ફાળવણી અગાઉથી કરવામાં આવી છે, જ્યારે બાકીના ગામો માટે સંપાદન પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

આ નવી રેલવે લાઈન વ્યૂહાત્મક દ્રષ્ટીએ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાં થી એક, અત્યંત ભીડભાડ વાળા અમદાવાદ રેલવે સ્ટેશનને બાયપાસ કરશે, વિશેષરૂપે વીરમગામ-અમદાવાદ કોરિડોર પર માલગાડીઓની અવરજવરના સંદર્ભમાં, હાલના વીરમગામ-સાબરમતી-અમદાવાદ-ગેરતપુર સેક્શન પર ભીડભાડને ઘટાડવા અને વિસ્તારના રેલવેના પાયાગત માળખામાં સંચાલન કાર્યક્ષમતા સુધારવા માટે આવશ્યક છે.

બારેજડી નાંદેજ અને સાણંદ વચ્ચે આ ચોથી લાઈનનું બાંધકામ આ ક્ષમતા સંબંધિત અડચણોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પરિયોજનાના ચાલુ થયા પછી, રેલવે ડિવિઝન સંચાલન જરૂરિયાતોના આધારે આ નવા રૂટ પર યાત્રી ટ્રેનોના રૂટ પરિવર્તન અથવા સંચાલન પર પણ વિચાર કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande