સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.)-ભાઠેના શિવમ સોસાયટીમાં મહાલક્ષ્મી ફેશન ફર્મના માલિક પાસેથી સાડીનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 72.87 લાખનું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરનાર વેપારી અને દલાલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પાસોદરા પાટીયા, હરસિધ્ધી સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ જાદવભાઈ કાછડીયા (ઉ.વ.50) ભાઠેનામાં શિવમ સોસાયટીમાં મહાલક્ષ્મી ફેશન ફર્મના નામથી ખાતું ચલાવે છે. તેમની પાસેથી આંજણા, જય ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સિધ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરતા આશીષકુમાર મુકેશચંદ ટંડેલ ઉર્ફે રાહુલ (રહે, રંગ અવધુત નગર-2, રામનગર, ભેેસાણ)એ કાપડ દલાલ મોનુ (રહે, ભારતનગર, ઉધના) સાથે મળી ગત તા. 18 ઓગસ્ટ 2021 થી 2 ફેબ્રુઆરી 2023 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 8,34,83,40 ના મતાનો સાડીનો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા 10,60,400 આપ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 72,87,940 ની અવારનવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ આપવાનો નથી.
તમારા થી થાય તે કરી લેવાની અને હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરવા આવ્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી બાકી નિકળતા સાડીના રૂપિયા 72,87,940 નહી ચુકવી છેતરપિંડી કરી હતી. ઉધના પોલીસે પ્રફુલભાઈ કાછડીયાની ફરિયાદને આધારે આશીષકુમાર ટંડેલ અને દલાલ મોનુ સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે