અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગરીબી નિવારણ અને મહિલા સશક્તિકરણના હેતુથી યોજાતા સરસ મેળો 2025નો ભવ્ય પ્રારંભ થયો. આ મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી સખી બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલી ઘરગથ્થુ અને સ્થાનિક કલાકૃતિઓના સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. મેળામાં પરંપરાગત ખાદ્ય વસ્તુઓ, હસ્તકલા, કાપડ, શણગાર સામગ્રી સહિત અનેક પ્રદર્શનો કરવામાં આવ્યા છે.
મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી અને બહેનો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી કૃતિઓને નજીકથી નિહાળી તેમની મહેનતને વખાણી. ખાસ કરીને મહિલાઓ દ્વારા સ્વરોજગારના માધ્યમથી આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોને સૌએ અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે ઉપસ્થિત સાંસદે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “સરસ મેળા જેવા કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે. આવા મેળા માત્ર વેચાણ-ખરીદીનું મંચ નથી, પરંતુ મહિલાઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ સાધન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને સરસ મેળા જેવી પ્રવૃત્તિઓ મહિલાઓને સીધો ફાયદો પહોંચાડે છે.
સરસ મેળો 2025માં અમરેલી જિલ્લામાંથી જોડાયેલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે પણ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી છે. અહીં આવનાર લોકો માટે પરંપરાગત વાનગીઓ અને હસ્તકલા વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મેળામાં રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને વિશિષ્ટ હસ્તકલા સુધી દરેક વસ્તુ ઉપલબ્ધ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સખી બહેનોને પ્રોત્સાહિત કરી તેમના પ્રયત્નોને વધાવી લીધા અને આગલા સમયમાં વધુ આત્મનિર્ભર થવા પ્રેરણા આપી. અમરેલીનો સરસ મેળો 2025 લોકો માટે એકતા, સહકાર અને મહિલા સશક્તિકરણનું જીવંત પ્રતિક સાબિત થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai