અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે અંધજન શાળા, અમરેલી ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધતી જતી ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી બચવા માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવ્યું કે આજના સમયમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ અવારનવાર ગંભીર છેતરપિંડીમાં ફેરવાય છે. ખાસ કરીને બેંકિંગ ફ્રોડ, OTP શેર કરવો, લિંક પર ક્લિક કરવાથી થતા નુકસાન, ખોટી લોન એપ્સ, ફિશિંગ કોલ્સ અને ફેક આઈડી જેવા ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.
વિદ્યાર્થીઓને સમજાવાયું કે અજાણ્યા વ્યક્તિઓ સાથે પોતાના બેંક ખાતાની માહિતી, OTP, ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર ક્યારેય શેર ન કરવો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવું કે અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ સોશ્યલ મીડિયા પર અતિશય વ્યક્તિગત માહિતી જાહેર કરવાથી પણ સાયબર ગુનેગારો તેનો દુરુપયોગ કરી શકે છે.
પોલીસ અધિકારીઓએ આ પણ જણાવ્યું કે સાયબર ગુના બને ત્યારે તાત્કાલિક 1930 હેલ્પલાઈન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. સમયસર જાણ કરવામાં આવે તો મોટાભાગના કેસોમાં નુકસાન અટકાવી શકાય છે.
અંધજન શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને પોલીસ અધિકારીઓએ તમામ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપ્યા.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ પેદા થઈ છે. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ અને સીટી પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન વધુ અસરકારક બન્યું છે અને સમાજના દરેક વર્ગ સુધી જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai