અમરેલી 20 સપ્ટેમ્બર (હિ.સ.): ધારી શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોના તરખાટથી વેપારીઓમાં ભયનું માહોલ સર્જાયો છે. તાજેતરમાં ધારીના બગીચા સામે આવેલી એક મોબાઈલ શોપના તાળા તોડી તસ્કરો ચોરી કરી ગયા હતા. આ સાથે જ અગાઉ પણ શહેરમાં ત્રણ જેટલી દુકાનોના તાળા તોડવાના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સતત વધતા ચોરીના બનાવોને પગલે ધારીના બજરંગ ગૃપ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મળીને એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું. આ આવેદનપત્ર ધારી પોલીસ ઇન્સ્પેક્ટરને પાઠવીને શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો પોલીસ તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરે તો તસ્કરોના હિંમત વધશે અને સામાન્ય વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડશે.
ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટ્ટણીએ જણાવ્યું કે, “ધારી શહેરના વેપારીઓ સતત ચોરીના બનાવોથી પરેશાન છે. પોલીસ પેટ્રોલિંગ વધારવું અત્યંત જરૂરી છે. તસ્કરોને પકડી પાડવા તાત્કાલિક પગલા ભરવામાં આવે જેથી વેપારીઓ નિરભય રીતે પોતાનો વ્યવસાય કરી શકે.”
વેપારીઓએ એકસુરે આ વાત પર ભાર મૂક્યો છે કે ધારી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં તેમજ આંતરિક ગલીઓમાં રાત્રે નિયમિત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે. આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો જરૂરી હોય તો સી.સી.ટી.વી. કેમેરા લગાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, પરંતુ તસ્કરોને પકડી પાડવી એ તાત્કાલિક ફરજિયાત કામગીરી છે.
આવા બનાવો વચ્ચે ધારી શહેરના વેપારીઓમાં એકતા સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને હવે સ્થાનિક પોલીસ તરફથી ઝડપી પગલાંની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai