પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સેવા સદનના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પ્રાંત અધિકારીઓ અને સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ધારાસભ્યોએ વિવિધ જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ખાસ કરીને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા, ગટર અને કેનાલની સમયસર સફાઈ, માર્ગોની મરામત તેમજ સમી તાલુકામાં પીવાના પાણીની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત કોડધા વિસ્તારમાં કૃષિ વીજ કનેક્શન, ભારતમાલા રોડના રીપેરિંગ, અને શહેરમાં હોર્ડિંગ્સના સંચાલન અંગે પણ રજૂઆત કરવામાં આવી.
ધારાસભ્યોએ રખડતા ઢોરની સમસ્યા અને આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હપ્તાની ચૂકવણી વિલંબથી થતી ફરિયાદો અંગે પણ ચર્ચા કરી. કલેક્ટર તુષાર ભટ્ટે તમામ મુદ્દાઓનો ગંભીરતાપૂર્વક સંઘટનસભ્યો સમક્ષ અભ્યાસ કરી તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ