જામનગર શહેર - જિલ્લાના અંદાજિત રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયું
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જામનગર શહેર - જિલ્લાના અંદાજિત રૂ. ૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમના હસ
ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત


જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જામનગર શહેર - જિલ્લાના અંદાજિત રૂ. ૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમના હસ્તે જામનગર જિલ્લાને રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેંટ મળી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાના કામનો, જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્લાન્ટ, ભૂજિયા કોઠાના રીસ્ટોરેશન (ફેઝ-૧) નું, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનો સમાવેશ થાય છે.

રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઇ-ખાતમુહૂર્ત

રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ૧,૪૭,૬૧૭ ચોરસ મીટરમાં તૈયાર થનાર ૮ માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ ૨૦૭૧ બેડ, ૨૩૫ આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ, મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગો, ૪૦ મોડ્યુલર ઓપરેશન થિયેટરનો સમાવેશ થાય છે.

આ ઇમારત એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે વિભાગની બધી પ્રવૃત્તિઓ એક જ માળ પર થઈ શકે. શ્રેષ્ઠ આરોગ્ય પ્રથાઓ અનુસાર બ્લોક્સનું વર્ટિકલ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યું છે.આ ઇમારતને સો ટકા પાવર બેકઅપ ડીજી સેટની સુવિધા સાથે ડિઝાઇન કરવામાં આવી રહી છે.આ ઇમારત ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, દરેક આઈસીયુ બેડ પર પોઇન્ટ સાથે એમજીપીએસ, નવીનતમ ટેકનોલોજી સાથે સુસંગત લેન સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સ, નર્સ કોલ બેલ સિસ્ટમ વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઇમારતને ગાયનેક વિભાગના ૧૦૦૦ દિવસ સર્ટિફીકેશન, લક્ષ્ય, નેશનલ મેડિકલ કમિશન બાયલોજ, ફાયર નોર્મ્સ, વિગેરે માર્ગદર્શિકા મુજબની સુવિધા સાથેની બનવા જઈ રહી છે. તબીબી દર્દીઓને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના તબીબી સારવાર અને વિશેષ સારવારની વિશાળ શ્રેણીની સુવિધા મળશે. આ કેમ્પસ મેડિસિટી કેમ્પસનો એક ભાગ છે, તેથી આ કેમ્પસમાં આરોગ્યસંભાળ સંબંધિત સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. દર્દીઓની સંખ્યામાં વધારા સાથે, સુવિધામાં મોટા વિસ્તરણ અને વિકાસ થઈ રહૃાો છે અને *મેડિસિટી* ની સ્થાપના જી.જી.હોસ્પિટલના વિઝનના સંચાલનમાં ફાયદાકારક રહેશે.

અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્લાન્ટનું ઇ-લોકર્પણ

પીએમ કુસુમ યોજના ઘટક-સી ફિડર લેવલ સોલરાઈઝેશનના ૪૭૫ મેગાવોટના સમગ્ર રાજ્યમાં પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી જામનગર વર્તુળ કચેરી હેઠળ જિલ્લાની વિવિધ જગ્યા પર કુલ ૧૭ પ્લાન્ટ્સ કમિશન થયેલ છે જેની કુલ ક્ષમતા ૫૦ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે. જે પૈકી જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં પણ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગરના કાર્યક્રમના જીવંત પ્રસારણનો કાર્યક્રમ પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

રૂપિયા ૨૫ કરોડના ખર્ચે ભૂજીયા કોઠાના રીસ્ટોરેશન

(ફેઝ-૧)નું ઇ-લોકાર્પણ

ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળરૂપી કડી એટલે ભૂજીયો કોઠો, વર્ષ ૧૮૫૨માં આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતને હાલ ૧૭૩ વર્ષ થયા છે. આ રક્ષિત સ્મારકને આટલા વર્ષોમાં થયેલ વાતાવરણની વિપરીત અસરો તેમજ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં થયેલ ક્ષતિને દુરસ્ત કરવા જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂ.૨૫ કરોડના ખર્ચે ભૂજિયા કોઠાનું રીસ્ટોરેશન (ફેઝ-૧) કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનું રી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રીસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રીસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનું રી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મૂર્તિઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.

રૂ. ૪૧.૮૯ કરોડના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ

આ બ્રિજની કુલ લંબાઈ (રેલ્વે પોર્શન સહિત) ૭૩૩.૮૬ મીટર, પહોળાઈ ૧૧.૮૦ મીટર તથા ઊંચાઈ ૮.૭૦૫ મીટર છે. આ બ્રિજ થકી કાલાવડ નાકા બહારના તમામ વિસ્તારોને રાજકોટ રોડ તરફ સીધો અને સરળ પ્રવેશ તથા નિકાસ ઉપલબ્ધ થશે. હાપા માર્કેટિંગ યાર્ડના ભારે વાહનોને રેલવે ક્રોસિંગ પર થતી લાંબી કતારમાંથી મુક્તિ મળશે. અકસ્માત તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનું નિવારણ થશે. જેને લીધે સમય તથા ઇંધણની બચત થશે.

રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત

જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર, વિશાળ હોટેલ પાછળ, ટીપી સ્કીમ નં.૨, અંતિમ ખંડ નં.૯૮માં રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવામાં આવશે. જેમાં વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, જુડો, કરાટે, કબડ્ડી, રેસ્લીંગ, ટેકવોન્ડો, ઓલીમ્પિક સાઈઝ સ્વીમીંગ પુલ, ફર્સ્ટ એઇડ રૂમ, મીડિયા / વિડીઓગ્રાફર રૂમ, પ્લેયર્સ એન્ડ રેફ્રી રૂમ, ટોઇલેટ બ્લોક, એથ્લેટીક લોન્જ, લોકર્સ એન્ડ ટોઇલેટ, સ્ક્વોશ કોર્ટ, રીક્રીએશનલ એરિયા (ઇન્ડોર ગેઈમ્સ કેરમ, ચેસ), કોન્ફરન્સ રૂમ, પ્રેસ લોબી, મીડિયા વેઇટીંગ, વી.આઈ.પી. લોન્જ, વ્યુઇન્ગ ગેલેરી, રીફ્રેશમેન્ટ કાફે, જીમ્નેશીયમ, ફીઝીયોથેરાપી રૂમ વગેરે સવલતોનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શહેરના મધ્ય ભાગમાં રણમલ તળાવ પાસેના એક માત્ર સ્પોર્ટસ કોમ્પલેક્ષ કે જે શહેરની વસ્તી તથા વિસ્તારના પ્રમાણમાં પૂરતો ન હોવાથી, રમતવીરો તથા શહેરની સ્વાસ્થ્યપ્રિય જનતા માટે એક સુવિધાસભર સ્પોર્ટસ કોમ્પલેક્ષ પ્રાપ્ત થશે. જેમાં દૈનિક પ્રેકટીસ તેમજ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજી શકાશે. માટે રમતવીરો માટે આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખૂબ જ ઉપયોગી થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande