ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઇ રહ્યું છે.
આ વેરીફીકેશન દરમિયાન જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા નથી મળ્યું, તેવા ગીર સોમનાથ જિલ્લાના કુલ ૬૯૭૪ ખેડૂતોને એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવી છે.
જે ખેડૂતોને એસ.એમ.એસ મળ્યો હોય તેવા ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી, આવા ખેડૂતોએ વહેલામાં વહેલી તકે તેઓના ગામના ગ્રામસેવકને જરૂરી આધાર પુરાવા સાથે અરજી આપવાની રહેશે.
ખેડૂતો ગામના સર્વેયર મારફત અથવા 'ડિજિટલ ક્રોપ સર્વે-ગુજરાત' એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે.
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી જિલ્લાના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે. તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં જિલ્લામાં ૪૮,૦૦૦ થી વધુ ખેડૂતોએ મગફળી માટે, ૧૦,૦૦૦થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, ૧૯૩ ખેડૂતોએ અડદ માટે તેમજ ૪૧ ખેડૂતોએ મગની ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.
ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવો. જો કોઈ ખેડૂતમિત્રો મગફળી અથવા સોયાબીન પાકની કાપણી કરવા માગતા હોઈ તો ગામના ગ્રામસેવકશ્રીને જાણ કરવી અને જયારે સર્વેયર સર્વે કરવા માટે આવે ત્યારે ખેડૂતોએ સાથ સહકાર આપવા ખેતીવાડી વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ