સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની મેરેથોન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદએ સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે કેન્દ્ર તથા
સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં


ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની મેરેથોન બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદએ સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સરકારની જનહિતલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.

સાંસદએ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતીમાં સંલગ્ન વિભાગો સાથે જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓના તબક્કાઓમાં ભૌતિક સિદ્ધિ, ફાળવેલા લક્ષ્યાંક, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ ન થયેલા કામો વિશેના કારણો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

સાંસદએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મનરેગા, સ્વામિત્વ યોજના, ઉજ્જવલા યોજના, આંગણવાડીની યોજનાઓ, પોષણ કાર્યક્રમો, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો-બેટી પઢાઓ, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો સહિત ખેતીવાડી, આંગણવાડી, રેલવે, આરોગ્ય, શિક્ષણ, રમતવિભાગના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

નાગરિકોની વિવિધ સમસ્યાઓને લઈ જનપ્રતિનિધિઓ દ્વારા અધિકારીઓ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે જે રજૂઆતો કરવામાં આવે છે. તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ આવે એ દિશામાં કામ કરવા માટે સાંસદશ્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો આપી તાલુકા-જિલ્લા સ્તરે પરસ્પર સંકલન સાધીને તમામ તાલુકાઓમાં વિકાસના કામો વેગવંતા બને એ માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી જિલ્લાભરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. તા.૦૨ ઓકટોબર સુધી ચાલનારા આ અભિયાનમાં જનસમુદાયની ભાગીદારી સુનિશ્ચિત થાય એ જરૂરી છે. જનભાગીદારી થકી સ્વચ્છતા કરી અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં તમામે પોતાનું યોગદાન અવશ્ય આપવું જોઈએ.

સાંસદએ આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા દિશા કમિટિની ચોક્કસ ગાઈડલાઈન અનુસરવા અને પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય અને ફાળવેલી ગ્રાન્ટનો વપરાશ સુનિયોજીત રીતે થાય તે માટે મહત્વના સૂચનો કર્યા હતાં.

ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સોઈલ હેલ્થ કાર્ડ, પી.એમ.કિસાન યોજના, ઈ-વ્હીકલ, સ્વચ્છતા સંબંધિત કામગીરી, નાળિયેરીમાં માખીના ઉપદ્રવ સહિત નાગરિકલક્ષી કામોના નિયમિત ફોલોઅપ લેવા પર વિશેષ ભાર મૂકી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બને એ દિશામાં ઝડપ વધારવા માટે સંબંધિત વિભાગોને મહત્વના સૂચનો કર્યાં હતાં.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે સરકારની તમામ યોજનાઓનો લાભ બેંક દ્વારા જ લાભાર્થીને મળતો હોવાથી જાગૃતિ અભિયાન ચલાવવા, પીસીપીએન્ડ ડીટી કાયદા અંતર્ગત તમામ હોસ્પિટલોમાં તપાસ વધુ સઘન બનાવવા, વૃદ્ધ સહાય યોજના અને જળસંચયની કામગીરી વેગવંતી બનાવવા, શાળાના બિલ્ડિંગો સહિત ભૌતિક સુવિધાઓની ચકાસણી કરવા સહિત વિવિધ વિભાગો દ્વારા નાગરીકોની બાકી રહેલી અરજીઓનો ત્વરિત નિકાલ થાય એ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ ગત મિટિંગ્સના એજન્ડા રજૂ કરી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના, સુજલામ-સુફલામ સહિત વિવિધ વિભાગોની નાગરિકલક્ષી યોજનાઓની પ્રગતિ અંગે ઉપસ્થિત સર્વેને માહિતી પૂરી પાડી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ઉષ્માબહેન નાણાવટી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર સહિત ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનિટરીંગ કમિટીના સભ્યઓ, પશુપાલન, બાગાયત, ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય, આયોજન, માર્ગ અને મકાન સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande