સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.)-સરથાણા કેનાલ રોડ, બ્રહ્માણી કમ્પાઉન્ડમાં આવેલ પ્રીમીયમ કાર મેળાના માલિક પાસેથી ઠગબાજ ગ્રાહકને બતાવવાના બહાને રૂપિયા 12.25 લાખની કિંમતની સ્કોડા ગાડી લઈને રફુચક્કર થઈ ગયો હતો.
સરથાણા, વી.ટી.નગર સર્કલ. ઈન્ફીનીટી પાર્ક ખાતે રહેતા હાર્દિક મુકેશભાઈ તેજાણી સરથાણા કેનાલ રોડ, બ્રહ્માણી કમ્પાઉન્ડમાં પ્રમીયમ કાર મેળાના નામે ગાડી લે-વેચનો ધંધો કરે છે. હાર્દિક પાસેથી 25 ઓગસ્ટના રોજ ગાડી લે-વેચનું કામકાજ કરતા કેતન મનસુખ વઘાસીયા (રહે, શુભમ રેસીડેન્સી, યોગીચોક, સરથાણા) ગ્રાહકને બતાવવાના બહાને સ્કોડા ગાડી, ઓરીજનલ TTO ફોર્મ, R.C.બુક તેમજ તન્વીરબહેન ઝાકીર હુસેન માયતના આધાર કાર્ડ, પાનકાર્ડની ઝેરોક્સ લઈ ગયો હતો.
ત્યારબાદ કેતન પરત ગાડી કે તેના કિંંમતના રૂપિયા 12,25,000 આપ્યા ન હતા. ઉપરથી હાર્દિકે ગાડીની માંગણી કરતા ગાડી આપવાના બદલામાં 5.50 લાખની માંગણી કરી ધાકધમકી આપતો હતો. સરથાણા પોલીસે હાર્દિક તેજાણીની ફરિયાદને આધારે કેતન વઘાસીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે