નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે
ગુજરાતની મુલાકાત લેશે. તેઓ સવારે 10:30 વાગ્યે ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ
કાર્યક્રમમાં ભાગ લેશે અને ₹34,200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને
શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે
12:30 વાગ્યે
ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે 1:30 વાગ્યે, તેઓ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને લોથલ ખાતે રાષ્ટ્રીય
દરિયાઈ વારસા સંકુલની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે ગુજરાતની
મુલાકાતનો કાર્યક્રમ, ભારત સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા એક પ્રેસ
રિલીઝમાં અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી એક
પ્રકાશન અનુસાર, “પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી ₹7,870 કરોડથી વધુના
અનેક દરિયાઈ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જે દરિયાઈ
ક્ષેત્રને મોટો વેગ આપશે. તેઓ ઇન્દિરા ડોક ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું
ઉદ્ઘાટન કરશે. તેઓ કલકતા સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર નવા કન્ટેનર ટર્મિનલ
અને સંબંધિત સુવિધાઓનો શિલાન્યાસ પણ કરશે; પારાદીપ બંદર પર નવા કન્ટેનર બર્થ, કાર્ગો હેન્ડલિંગ
સુવિધાઓ અને સંબંધિત વિકાસ કાર્યો,ટુના ટેકરા
મલ્ટી-કાર્ગો ટર્મિનલ,એન્નોરના કામરાજાર બંદર પર અગ્નિશામક સુવિધાઓ અને આધુનિક
રોડ કનેક્ટિવિટી,ચેન્નઈ બંદર પર દરિયાઈ દિવાલો અને રેવેટમેન્ટ્સ સહિત
દરિયાકાંઠાના સંરક્ષણ કાર્યો,કાર નિકોબાર ટાપુ
પર દરિયાઈ દિવાલનું નિર્માણ,કંડલાના દીનદયાળ
બંદર પર બહુહેતુક કાર્ગો બર્થ અને ગ્રીન બાયો-મિથેનોલ પ્લાન્ટ,અને પટણા અને
વારાણસીમાં જહાજ સમારકામ સુવિધાઓ.”
સર્વાંગી અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને
ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી
મોદી ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ₹26,354 કરોડથી વધુના અનેક કેન્દ્ર અને રાજ્ય સરકારના
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ છારા બંદર પર એચપીએલએનજી રિગેસિફિકેશન
ટર્મિનલ, ગુજરાત આઈઓસીએલ રિફાઇનરીમાં
એક્રેલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, 600 MW ગ્રીન શૂ ઇનિશિયેટિવ, ખેડૂતો માટે PM-KUSUM 475 MW કમ્પોનન્ટ C સોલર ફીડર, 45 MW બડેલી સોલર PV પ્રોજેક્ટ અને
ધોરડો ગામનું સંપૂર્ણ સોલારાઇઝેશનનું ઉદ્ઘાટન કરશે. તેઓ એલએનજીઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધારાના
નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ, દરિયાકાંઠાના સંરક્ષણ કાર્યો, હાઇવે, આરોગ્યસંભાળ અને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ
કરશે, જેમાં ભાવનગરમાં
સર ટી. જનરલ હોસ્પિટલ, જામનગરમાં ગુરુ
ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ અને 70 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ચાર-લેનિંગનો
સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઈઆર)નું હવાઈ
સર્વેક્ષણ પણ કરશે, જેની કલ્પના ટકાઉ
ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીન ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં
આવી છે. તેઓ લોથલમાં આશરે ₹4,500 કરોડના ખર્ચે
વિકસાવવામાં આવી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએચએમસી) ની મુલાકાત પણ
લેશે અને પ્રગતિની સમીક્ષા કરશે. આ સંકુલ દેશની પ્રાચીન દરિયાઈ પરંપરાઓનું સન્માન
અને જાળવણી કરશે અને પર્યટન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ