મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.): ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત શેઠ C.N. ઉચ્ચતર માધ્યમિક શાળા અને K.M. કોઠારી હાઈસ્કૂલ, સતલાસણા (જિલ્લો મહેસાણા) ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક હોલમાં યોજાયેલ કાર્યક્રમ એટલો લાગણીસભર બન્યો કે ત્યાં હાજર સૌની આંખોમાંથી આંસુઓની ધાર વહેતી થઈ. આજના સમયમાં વિદ્યાર્થીઓ માતા-પિતાથી વિમુખ થતા, ગુરુજનોની આજ્ઞાનું પાલન ન કરતા અને તોફાની વર્તન દાખવતા હોવાની પરિસ્થિતિ વચ્ચે આવા કાર્યક્રમોની ખૂબ જ જરૂરિયાત અનુભવાય છે. “વંદન-સ્પંદન-અભિનંદન” નામથી ગોઠવાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલોનો એકરાર કર્યો હતો. અનેક વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જેને જોઈ માતા-પિતા તેમજ શિક્ષકો પણ ભાવવિભોર થઈ ગયા હતા.
વાલીગણ તરફથી પ્રતિસાદ મળ્યો કે આવા કાર્યક્રમો દર સત્રે યોજાવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં માતા-પિતાપ્રતિ સન્માન અને આદરની ભાવના વિકસે. અંતે K.M. કોઠારી હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR