પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)જેતપુર ડીપ સી એફિલેન્ટ પાઈપલાઈન યોજના નો પોરબંદર ખાતે સેવ પોરબંદર સી દ્વારા સતત પાંચ વર્ષથી વિરોધ થતો રહ્યો છે. આ દરમિયાન સભ્યોએ ખૂબ આંદોલનો અને કાર્યક્રમો કર્યા હતા અને રાજ્ય સરકારને વિનંતી કરેલી કે પોરબંદરના હિતમાં આ યોજના કોઈપણ રીતે લાભકારક ન હોવાથી આ યોજના બંધ કરવી પણ રાજ્ય સરકાર તરફથી આ અંતર્ગત કોઈપણ જવાબ ના મળતા અંતે સેવ પોરબંદર સી દ્વારા કાનૂની કાર્યવાહી કરી અને અદાલત તરફ જવાનું નક્કી કર્યું. આ માટે હાઈકોર્ટ અમદાવાદ ખાતે તેમણે જાહેર હિતની અરજી કરવાનું નક્કી કર્યું અને ત્યાં એક હર્ષ રાવલ નામના નામી વકીલ કે જેઓ પોરબંદર નાગરિકના હિત માટે આ કેસ લડવા તૈયાર થયા અને તેમણે ખૂબ સામાન્ય ફી લઈ આ સંસ્થાની મદદ કરી કુલ 880 પાના ભરી અને પીઆઈએલ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી જે અંતર્ગત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ, ઈસી, જીપીસીબી, સીપીસીબી, નર્મદા કલ્પસર જળ યોજના, જેતપુર ડાયિંગ એસોસિએશન, કલેકટર ઓફ રાજકોટ કલેકટર ઓફ પોરબંદર, ચીફ ઓફિસર જેતપુર વગેરેને આરોપી તરીકે લેવામાં આવેલ હતા. આ જાહેર હિતની અરજી 5 ઓગસ્ટ 2025 ના કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની કોર્ટમાં આ જાહેર હિતની અરજી ચાલી ત્યારે તેમના દ્વારા આ અરજીને સમસ્ત ખારવા સમાજની સ્પેશિયલ અરજી સાથે ક્લબ કરવામાં આવે અથવા તો એન.જી.ટી.ની અંદર ફરીથી આ અંતર્ગત અરજી કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવી હતી. તેમના આ ઓર્ડરને માન્ય રાખી સેવ પોરબંદર સી સંસ્થાએ ખારવા સમાજની સ્પેશિયલ અરજીની સાથે જાહેર હિતની અરજી ક્લબ કરવાનો નિર્ણય કરતા ફરીથી સોગંદનામુ પણ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યું છે. જાહેર હિતની આ અરજી ડો. નૂતનબેન ગોકાણી તથા ચંદ્રેશ કિશોર બંને દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી એસ.સી.એ સાથે જે ક્લબ કરવાની છે તે અરજી પણ આ બન્ને દ્વારા કરવામાં આવી. આ ઉપરાંત ઘેડ વિસ્તારમાં ખેડૂતોની મદદ અર્થે તે લોકોને તમામ વાંધા અરજીઓ પણ સેવ પોરબંદર સી સંસ્થાના વકીલ સભ્યો દ્વારા કરાવવામાં આવી અને ત્યારબાદ તેમને જે લોક સુનાવણી માટે જેતપુર ખાતે બોલાવવામાં આવ્યા ત્યાં પણ વકીલ દ્વારા વાંધા અરજી અન્ય રીતે પણ તે લોકોને આપવામાં આવી અને હાલ સેવ પોરબંદર સી સંસ્થાની દરમિયાનગીરીથી ગ્રામસભાનું આયોજન થશે અને ત્યાં પણ ઠરાવ પસાર કરાવવો તે સૂચન કરવામાં આવ્યું છે એટલે ભવિષ્યમાં સમસ્ત ખારવા સમાજ, સમગ્ર પોરબંદરના નાગરિકો અને ઘેડના ખેડૂતો તમામ લોકો સાથે મળી આ લડાઈ લડશે. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ તેઓની સમગ્ર ટીમ સતત સંસ્થાના સભ્યોને પ્રેરક બળ પૂરું પાડતા રહ્યા છે અને સાથ આપતા રહ્યા છે જેના માટે સંસ્થા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. પોરબંદર વાસી તરીકે સૌ સાથે મળી અને આ કાર્ય કરી રહ્યા છે તે વાતનો સવિશેષ આનંદ છે. આ કાર્યક્રમમાં ચંદ્રેશભાઈ કિશોર, ડો. સિદ્ધાર્થ ગોકાણી, ડૉ .રિતીજ્ઞયા ગોકાણી, વિનેશ ગોસ્વામી, પંકજ ચંદારાણા, આશિષ બાપોદરા, નિધીબેન શાહ, કેયુર જોશી, અનમ સાગર, જયેશ ગોરેસરા સહિતના સભ્યો સંસ્થા તરફથી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya