નાના માચીયાળાનો ચેકડેમ છલકાયો, પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે વાહનવ્યવહાર ચાલુ
અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો અને નદીઓને છલકાવી દીધા છે. ખાસ કરીને નાના માચીયાળા ગામનો મંદિર નજીકનો ચેકડેમ પાણીથી છલકાયો છે. ભારે વરસાદના કારણે ચેકડેમમાંથી પાણી ઠેબી નદી તરફ વહી
નાના માચીયાળાનો ચેકડેમ છલકાયો – પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે વાહનવ્યવહાર ચાલુ


અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો અને નદીઓને છલકાવી દીધા છે. ખાસ કરીને નાના માચીયાળા ગામનો મંદિર નજીકનો ચેકડેમ પાણીથી છલકાયો છે. ભારે વરસાદના કારણે ચેકડેમમાંથી પાણી ઠેબી નદી તરફ વહી રહ્યું છે અને નદી બંને કાંઠે ભરાવ લઈ વહેતી થઈ છે.

ચેકડેમ છલકાઈ જવા છતાં ગામલોકો અને વાહનચાલકો જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. સતત પાણીના પ્રવાહ વચ્ચે બે-ચકકા, ચાર-ચકકા અને રાહદારીઓ અવરજવર કરતાં જોવા મળ્યા છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં લોકો અસમજદારીપૂર્વક પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ચેકડેમમાંથી પાણીના સતત નિકાલને કારણે ઠેબી નદીમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે અમરેલીના ઠેબી ડેમમાં સારો પાણીનો પ્રવાહ પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક થતા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની ચિંતાઓ હળવી થવાની આશા છે.

પરંતુ હાલમાં નાના માચીયાળા ગામમાં ચેકડેમ પરથી થઈ રહેલો બેદરકારીપૂર્વકનો વાહનવ્યવહાર ચિંતાજનક બન્યો છે. ગામલોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક પગલા લઈ પાણીના પ્રવાહ વચ્ચે થઈ રહેલી અવરજવર રોકી દેવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને. એક બાજુ પાણીનો પુરતો જથ્થો મળતા ખેડૂતો અને નગરજનો ખુશ છે, તો બીજી બાજુ બેદરકારીપૂર્વકના વાહનવ્યવહારથી સુરક્ષા અંગેની ચિંતાઓ પણ વધી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande