નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સોમવારે 22 સપ્ટેમ્બરના રોજ વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે. તેઓ યુએસ પક્ષ સાથે મુલાકાત માટે એક સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકી પક્ષ સાથે મુલાકાત માટે અમેરિકા જશે. વાણિજ્ય મંત્રી સાથે મંત્રાલયમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ પણ રહેશે. તેમની મુલાકાત દરમિયાન, ગોયલ અમેરિકી ટીમ સાથે મુલાકાત કરશે અને વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પર ચર્ચાઓને આગળ વધારવાનો છે. અગાઉ, યુએસ વેપાર પ્રતિનિધિ કાર્યાલયના અધિકારીઓની એક ટીમે 16 સપ્ટેમ્બરના રોજ ભારતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, વેપાર કરારના વિવિધ પાસાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ હતી, અને આ સંદર્ભમાં પ્રયાસો વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ એચ-1બી વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ