પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં આવનારા નવરાત્રી મહોત્સવ દરમિયાન જાહેર સલામતીને ધયાને રાખીને તમામ નવરાત્રી આયોજકોને ફાયર સેફટી સંબંધિત નિયમોનું કડક પાલન કરવા જણાવવામાં આવ્યુ છે સાથે માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં નવરાત્રી મહોત્સવના આયોજકોને ફરજિયાત રીતે ફાયર સેફટી અંગેનુ ટેમ્પરરી સર્ટિફિકેટ (FSCAT) મેળવવું પડશે, જેના માટે ગુજરાત ફાયર સેફટી COP ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
મંડપ કે પંડાલ કોઈપણ ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન અથવા રેલવે લાઇનથી દૂર બનાવવાનો રહેશે. મંડપના અંદર કે સ્ટેજ નજીક જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો નહિ. પંડાલમાં ક્ષમતા મુજબ જ લોકોનો પ્રવેશ આપવો તથા તેનો દસ્તાવેજી રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે.
જાહેર સુરક્ષા માટે પંડાલમાં ઓછામાં ઓછા બે EMERGENCY EXIT ૫ મીટર ખુલ્લી જગ્યા સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પર ફાયર વિભાગ (0286-2249850), (101), પોલીસ કંટ્રોલ રૂમ (100) અને એમ્બ્યુલન્સ (108) જેવા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર દર્શાવવા પડશે.ફાયર વાહનો ઝડપથી પહોંચી શકે તે માટે મંડપની આજુબાજુના માર્ગો ખુલ્લા રાખવા પડશે. દીવા નીચે રેતીનો બેઝ રાખવો ફરજિયાત રહેશે. ખાણીપીણીના સ્ટોલમાં વધારાનાં LPG સિલિન્ડરોનો જથ્થો રાખવો નહિ.
પંડાલમાં કરાયેલ ઇલેક્ટ્રિક વાયરિંગ વીજળી અધિનિયમ મુજબ પ્રમાણિત ઇલેક્ટ્રિક ઇજનેર દ્વારા ચકાસાવેલું હોવું જોઈએ અને તમામ ઉપકરણો IS-1646-1982 મુજબ ઇન્સ્ટોલ કરવાના રહેશે. વાયરિંગ પીવીસી કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ તથા કાર્પેટ અને પડદાને ફાયર રીટાર્ડન્ટ પેઈન્ટથી સુરક્ષિત કરવાના રહેશે.આયોજકો દ્વારા 100 ચો.મી. વિસ્તારમાં ૨ નંગ 6 કિ.ગ્રા. ક્ષમતાના ABC ફાયર એક્ષટીંગયુશર, 2 નંગ 4.5 કિ.ગ્રા. ક્ષમતાના CO2 ફાયર એક્ષટીંગયુશર, 4 નંગ પાણી ભરેલા ડ્રમ તથા ૨ સેન્ડ બકેટ ઉપલબ્ધ રાખવા ફરજિયાત રહેશે. સાથે સાથે NO SMOKING ZONE, EXIT, EMERGENCY EXIT જેવા સાઇનબોર્ડ ઓટોગ્લો મટીરિયલમાં લગાવવાના રહેશે.
ફાયર સેફટી સાધનોનો ઉપયોગ જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓ દ્વારા જ કરાવવો રહેશે અને તેઓ કાર્યક્રમ દરમિયાન રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહે તે સુનિશ્ચિત કરવું પડશે. ઉપરાંત, ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું તથા SOP મુજબની ચકાસણીમાં જો ખામીઓ જણાય તો તે દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
પોરબંદર જિલ્લામાં નવરાત્રી ઉત્સવ દરમ્યાન જાહેર સુરક્ષા અને સ્વચ્છતા જાળવીને કાર્યક્રમનું આયોજન કરવા તમામ આયોજકોને પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya