પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)તા. 20-9-25ની મધરાત્રે સાડા અઢી વાગે સારસ્વતી તાલુકાના વાગડોદ ગામે સૂર્યા હોટલ પાસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વાગડોદ પોલીસના કર્મચારી પરેશ અને જગદીશે પાટણ-ડીસા હાઇવે પર એક પીકઅપ બોલેરો ગાડીને અટકાવી હતી. તપાસ કરતા તેમાં 28 પશુઓ ભરેલા મળ્યા હતા, જેને કતલખાને લઈ જવાતા હતા.
પોલીસે તરત જ કાર્યવાહી કરતાં પશુઓને બચાવી લીધા અને ગાડીના ચાલક ફઈમ અહેમદ સલીમભાઈ શેખ (રહે. ડીસા)ની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પુછપરછમાં જાણવા મળ્યું કે આ પશુઓ ડીસાના ગવાડી વિસ્તારમાંથી સમીર ઉર્ફે કાકા કુરેશીએ ભરાવ્યા હતા. હાલ સમીર કુરેશી ફરાર છે.
તપાસમાં ખુલ્યું કે ગાડીમાં લાકડાના પાટિયાથી એક માળ બનાવી, ઘાસચારા અને પાણી વિના પશુઓને કષ્ટદાયક સ્થિતિમાં ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. બચાવાયેલા પશુઓને પાટણની ખલીપુર પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા. પોલીસે રૂ. 1.40 લાખના પશુઓ, રૂ. 3 લાખની કિંમતની પીકઅપ ગાડી અને રૂ. 4000નો મોબાઈલ જપ્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ