સુરત, 21 સપ્ટેમ્બર (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહનવ્યવહાર, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતાં વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદ્રઢ માળખું બનાવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તા.16 થી 19મી ઓક્ટો. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ 1600 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4.00 થી રાત્રે 10.00 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
ગત વર્ષે પણ દિવાળી ઉપર સુરત એસ.ટી.વિભાગ સુરત દ્વારા કુલ 1359 ટ્રીપોનું સંચાલન કરી 86,599 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોચાડયા હતા અને નિગમે કુલ રૂ.2.57 કરોડ(બે કરોડ સત્તાવન લાખ) આવક મેળવી હતી.
એકસ્ટ્રા બસોનું બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ પોર્ટ, ઉધના બસ સ્ટેશન, કામરેજ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાશે.
પ્રેસ કોન્ફરન્સમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, એસટીના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના આ સ્થળોએથી ઉપડશે એક્સ્ટ્રા બસો
તા.16 થી તા.19 ઓક્ટો. દરમિયાન સાંજે 04.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની બસો સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સિટી બસ સ્ટેશનથી અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશનથી ઉપડશે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ સ્ટેશનથી બસો ઉપડશે.
સુરતથી બસ ભાડું આ મુજબ રહેશે
અમરેલીનું રૂ. ૪૪૦,
સાવરકુંડલાનું રૂ. ૪૭૦,
ભાવનગર- રૂ. ૩૮૫
મહુવા- ૪૫૦
ગારીયાધાર- ૪૨૫
રાજકોટ - ૪૨૫
જુનાગઢ- ૪૮૦
જામનગર- ૪૮૦
ઉના- પર૫
અમદાવાદ- ૩૧૦
ડીસા- ૪૨૫
પાલનપુર- ૪૧૦
દાહોદ- ૩૪૦
ઓલપાડ દાહોદ- ૩૪૫
ઓલપાડ ઝાલોદ- ૩૫૦
કવાંટ- ૨૯૦
છોટાઉદેપુર- ૩૦૫
લુણાવાડા- ૩૧૫
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે