મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત યોજાયેલા સર્વે રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ અભિયાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ કરાયું છે, જેમાં મહિલાઓ તથા ગ્રામજનોને નિશુલ્ક આરોગ્ય ચકાસણીની સુવિધા આપવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 20 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 કલાકે આ કેમ્પનું આયોજન કરાયું હતું. રાજ્યપાલશ્રીની હાજરીમાં યોજાયેલા આ કેમ્પમાં કુલ 202 દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. વિભાગવાર તપાસ મુજબ જનરલ તપાસ – 119, ગાયનેક તપાસ – 13, પીડીયાટ્રિક તપાસ – 20, ફિઝિશિયન તપાસ – 35, ડેન્ટલ તપાસ – 15, લેબ ટેસ્ટ – 104 તથા ફિઝિયોથેરાપી – 78 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.
કેમ્પ દરમ્યાન 2 નવા ડાયાબિટીસના દર્દીઓ નિદાન કરાયા હતા. આ મેડિકલ કેમ્પ દ્વારા ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓ મળી રહી છે સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. આ અભિયાન ગામસ્તરેથી લઈને જિલ્લા સ્તરે આરોગ્ય સેવાને મજબૂત બનાવવામાં સહાયક બની રહ્યું
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR