પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રિના પાવન દિવસે કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 1500 મણથી વધુ કપાસ આવી પહોંચ્યો હતો. આ દિવસે કપાસના ભાવ રૂ.1111 થી શરૂ થઈ રૂ.2121 પ્રતિમણ સુધી નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસના ભાવમાં સરેરાશ રૂ.200 પ્રતિમણનો વધારો જોવા મળ્યો છે.
ગયા વર્ષે ખરીદીની શરૂઆતમાં ભાવ રૂ.900 થી રૂ.1600 પ્રતિમણ વચ્ચે રહ્યા હતા. માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ અને સચિવ હરેશ પટેલની હાજરીમાં ખેડૂતોએ સ્વાગતપૂર્વક કપાસની વેચાણ પ્રક્રિયા શરૂ કરી હતી.
ગત વર્ષે માર્કેટયાર્ડમાં કુલ 41,000 મણથી વધુ કપાસની આવક થઈ હતી અને લગભગ 500 ગાડીઓમાં કપાસ લાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે પણ ભાવ રૂ.1500 થી રૂ.1700 વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનો કપાસ પાટણ માર્કેટયાર્ડમાં વેચે, જ્યાં તેમને યોગ્ય વજન, પારદર્શક દર અને રોકડ રકમની તાત્કાલિક ચુકવણી મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ