જિંજુડા ગામના ખેડૂત જયરાજભાઈ ખુમાણે સોલાર સિસ્ટમથી વીજળી બિલ કર્યું શૂન્ય, દર મહિને 1500 રૂપિયા સુધીની વધારાની આવક
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જિંજુડા ગામના ખેડૂત જયરાજભાઈ ખુમાણે પોતાના નિવાસસ્થાને સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીજળીના સતત વધતા ખર્ચથી ત્રસ્ત જયરાજભાઈને દર બે મહિને 3000 રૂપિયા જેટલ
જિંજુડા ગામના ખેડૂત જયરાજભાઈ ખુમાણે સોલાર સિસ્ટમથી વીજળી બિલ કર્યું શૂન્ય, દર મહિને 1500 રૂપિયા સુધીની વધારાની આવક


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જિંજુડા ગામના ખેડૂત જયરાજભાઈ ખુમાણે પોતાના નિવાસસ્થાને સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીજળીના સતત વધતા ખર્ચથી ત્રસ્ત જયરાજભાઈને દર બે મહિને 3000 રૂપિયા જેટલું બિલ આવતું હતું. આર્થિક બોજ ઓછો થાય તે હેતુસર ગામના જ એક વ્યક્તિની સલાહ લઈને તેમણે પોતાના મકાન ઉપર સોલાર પેનલ લગાવ્યું. પરિણામે આજે તેમના ઘરમાં વીજળી બિલ સંપૂર્ણપણે શૂન્ય (0 રૂપિયા) થઈ ગયું છે.

જયરાજભાઈએ જણાવ્યું કે, સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ તેમના પરિવારને બિલ ચૂકવવાની ચિંતા હવે રહી નથી. તેની સાથે જ દર મહિને વધારાના 500 થી 1500 રૂપિયા સુધી જમા થવા લાગ્યા છે. સરકારની સહાય યોજના હેઠળ તેમને 78,000 રૂપિયાની સબસીડી પણ મળી હતી, જેના કારણે સ્થાપન ખર્ચમાં રાહત મળી. તેમણે જણાવ્યું કે, આ યોજના ગામડાંના લોકોને ખુબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે અને અન્ય લોકોએ પણ તેનો લાભ લેવાની જરૂર છે.

સોલાર પેનલના કારણે ફક્ત વીજળી બિલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યા માટે પણ એક સ્થાયી ઉકેલ મળી રહ્યો છે. પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ થવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં ઊર્જા આત્મનિર્ભરતા વધે છે. ખેડૂતોએ પરંપરાગત ખેતી સાથે નવીન ટેક્નોલોજીને સ્વીકારીને જીવન ખર્ચ ઓછો કરવાનો સંદેશ આપ્યો છે. જિંજુડા ગામના અન્ય લોકો પણ જયરાજભાઈના આ અનુભવથી પ્રેરાઈ રહ્યા છે. ગામના ઘણા પરિવારો સોલાર સિસ્ટમ અંગે માહિતી મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી, ઓછો જાળવણી ખર્ચ અને લાંબા ગાળે થતા બચતના ફાયદા જોતા આવનારા સમયમાં વધુ લોકો સોલાર પેનલ અપનાવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

સૌર ઊર્જા પ્રોજેક્ટો ગ્રામ્ય વિકાસ માટે ગેમચેન્જર સાબિત થઈ રહ્યા છે. આજે જયરાજભાઈ ખુમાણનું ઉદાહરણ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની ગયું છે. ઊર્જા ક્ષેત્રે આ પ્રકારના પ્રયાસો વડે ગામડાંના લોકો “આત્મનિર્ભર” બનશે અને સાથે જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande