અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં દારૂ પ્રોહિબિશન કાયદા હોવા છતાં દારૂના જથ્થાની હેરફેર અને વેચાણની ઘટનાઓ અટકતી નથી. તાજેતરમાં સાવરકુંડલા ટાઉન પોલીસને મોટી સફળતા મળી હતી. માહિતી મુજબ, સાવરકુંડલા હાથસણી રોડ પર ખોડિયાર ચોક નજીકથી પોલીસે ચેકિંગ દરમ્યાન એક યુવાનને ઝડપી લીધો હતો.
આ યુવાનની ઓળખ અંકિતભાઈ સુરેશભાઈ તરસરીયા (ઉંમર 22) તરીકે થઈ છે. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6 બોટલ મળી આવી હતી. પોલીસે તરત જ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. હાલ વધુ તપાસ ચાલુ છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ ક્યા હેતુસર તેનો ઉપયોગ થવાનો હતો.
આ ઉપરાંત, જિલ્લામાં અન્ય સ્થળોએ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બગસરા વિસ્તારમાંથી 2 લીટર અને બાબરકોટ ગામમાંથી 2 લીટર મળી કુલ 4 લીટર પીવાનો દેશી દારૂ પણ પોલીસે ઝડપી લીધો હતો. આ રીતે પોલીસે એક જ દિવસમાં વિદેશી તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂબંધી કાયદાના અમલને મજબૂતી મળી છે. જિલ્લામાં વારંવાર થતા આવા બનાવો દર્શાવે છે કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું રહે છે. પરંતુ પોલીસે ચુસ્ત ગસ્ત અને સતત કાર્યવાહીથી દારૂના પ્રવાહને રોકવાનો પ્રયાસ તેજ કર્યો છે. આ કિસ્સામાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ દારૂ સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai