ભજનથી વ્યાસપીઠ સુધી: નાની વડાળાના હસુ મહારાજની સંઘર્ષભરી સફર
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ભજન પરંપરા જીવંત છે. ગામડાના મંદિરોમાં સાંજ પડતાં જ ભજન–ધૂન ગુંજતા રહે છે. આવા જ સંસ્કારી માહોલમાંથી એક યુવાને પોતાનું જીવન ભજનથી વ્યાસપીઠ સુધી પહોંચાડ્યું છે. સાવરકુંડલા તાલુકાન
ભજનથી વ્યાસપીઠ સુધી: નાની વડાળાના હસુ મહારાજની સંઘર્ષભરી સફર


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ભજન પરંપરા જીવંત છે. ગામડાના મંદિરોમાં સાંજ પડતાં જ ભજન–ધૂન ગુંજતા રહે છે. આવા જ સંસ્કારી માહોલમાંથી એક યુવાને પોતાનું જીવન ભજનથી વ્યાસપીઠ સુધી પહોંચાડ્યું છે. સાવરકુંડલા તાલુકાના નાની વડાળ ગામના હસુ મહારાજ દુધરેજીયા એ બાળપણથી ભજનની મીઠી ધૂન ગાઈ છે, અને આજે વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ભગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.

હસુ મહારાજનું બાળપણથી જ સંગીત અને ભજન પ્રત્યે અદભુત આકર્ષણ હતું. ગામની શાળામાં પ્રથમ ધોરણથી જ તેઓ ભજન અને બાળગીત ગાતા. પ્રાર્થના તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમના કંઠની મીઠાશ ગામજનોને મંત્રમુગ્ધ કરતી. સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ કૈલાશ ગુરુકુળ મોરારીબાપુના સાનિધ્યમાં ગયા, જ્યાંથી તેમની ભજનયાત્રાને નવો વેગ મળ્યો.

પરંતુ જીવન હંમેશા સહેલું ન હોય. 1997માં જ્યારે તેમણે પ્રથમવાર ભજન ગાયું ત્યારે માત્ર 30 રૂપિયાનું માનધન મળ્યું, પરંતુ તે તેમને લાખોનું લાગ્યું. આ સાથે જ ભજનની દુનિયામાં તેમના કારકિર્દીની શરૂઆત થઈ. એ જ વર્ષે પિતાનું અવસાન થતાં આખા પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. તેઓ પોતાના વતન નાની વડાળામાં પાછા આવ્યા અને મંદિરો તથા ગામડાંઓમાં સાંજે–રાત્રે યોજાતા ભજન કાર્યક્રમોમાં ગાવા લાગ્યા. લોકો ધીમે ધીમે તેમની ભજનગાયકીથી પ્રભાવિત થઈ, અને ગામથી ગામ તેમને આમંત્રણ મળવા લાગ્યું.

ગામડાની સાદાઈ વચ્ચે પણ તેમણે પોતાની લાગણી અને શ્રદ્ધાથી ભજનને જ જીવનનું ધ્યેય બનાવી દીધું. ભજનમંડળીઓમાં ગાતાં–ગાતાં હસુ મહારાજનો કળાત્મક અવાજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોચ્યો. ભલે માનધન ઓછું મળતું, પરંતુ શ્રદ્ધા અને લોકપ્રેમ જ તેમનું સાચું મૂલ્ય બન્યું. પાંચ વર્ષ પહેલા, નાની વડાળાના ગામજનોના આગ્રહથી તેમણે પ્રથમવાર શ્રીમદ્ ભગવત કથા નો વ્યાસ લીધો. એ ક્ષણ તેમની બાળપણથી રહેલી ઇચ્છાનો સાકાર રૂપ બની. ત્યારથી સતત પાંચ વર્ષથી તેઓ વ્યાસપીઠ ઉપર બિરાજીને ભગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. લોકો ભેટરૂપે જે આપે છે તે સ્વીકારી, તેઓ પોતાના નિવાસસ્થાને ગાયોની સેવા પણ કરે છે. 1997માં એક ભજનથી શરૂ થયેલી સફર 2021માં કથાકાર રૂપે નવું મંજિલ પર પહોંચી. આજે તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકપ્રિય ભજનગાયક અને કથાકાર તરીકે ઓળખાય છે. હસુ મહારાજ કહે છે કે “ભજનને કદી છોડ્યું નથી, ભજને જ મને વ્યાસપીઠ સુધી પહોચાડ્યો છે.”

હસુ મહારાજની આ સફર દર્શાવે છે કે સંઘર્ષ, શ્રદ્ધા અને સમર્પણ હોય તો ગામડાંમાંથી ઉગેલો એક યુવાન પણ ભજનથી વ્યાસપીઠ સુધીનું સ્થાન મેળવી શકે છે. તેમની કહાની માત્ર ભજનપ્રેમીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામ્ય સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande