અમરેલી,22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ આપવા અને ખેડૂતોને નવો બજાર મંચ મળે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝન પાર્ક, સેન્ટર પોઇન્ટ, ચિતલ રોડ, અમરેલી ખાતે આજે પ્રાકૃતિક કૃષિના ખેડૂતો માટે રસાયણમુક્ત ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું.
આ કાર્યક્રમમાં અમરેલી તાલુકાના અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની મહેનત અને તેમની ઉપજને નાગરિકો સુધી સીધી પહોંચાડવા માટે આ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા ગ્રાહકોને તાજી અને સંપૂર્ણ રીતે રસાયણમુક્ત અનાજ, શાકભાજી, ફળો અને અન્ય કૃષિ પેદાશો ઉપલબ્ધ થશે.
અભિયાનના સંચાલકોએ જણાવ્યું કે રસાયણમુક્ત ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ જમીન અને પર્યાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ગ્રાહકોને શુદ્ધ પેદાશો મળે તે મુખ્ય હેતુ સાથે આ પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટેકનિક, જૈવિક ખાતરનો ઉપયોગ, તેમજ બજારમાં વધુ મૂલ્ય મેળવવા માટેના માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા હતા. ખેડૂતોને આ નવા વેચાણ કેન્દ્ર દ્વારા સતત લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ વેચાણ કેન્દ્ર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે અમરેલી શહેરના નાગરિકોને પણ સ્વસ્થ જીવન તરફ આગળ વધવા માટે એક સારો અવસર આપશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai