અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા શહેર વર્ષો સુધી કાંટા ઉદ્યોગ માટે ઓળખાતું રહ્યું છે, પરંતુ છેલ્લા થોડા સમયથી આ ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. રોજગારી તથા વેપારમાં પડતા આઘાતથી સ્થાનિક વેપારીઓ અને મજૂરોમાં ચિંતા વ્યાપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ઉદ્યોગના પ્રશ્નોને ઉકેલવા માટે તાત્કાલિક પગલા ભરવામાં આવ્યા છે.
હાલમાં વેપારીઓએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી કે સરકારનું પૂરતું ધ્યાન ન મળતા કાંટા ઉદ્યોગ ધીમે ધીમે બંધ થવાના આરે પહોંચી રહ્યો છે. આ રજૂઆતને ગંભીરતાથી લઈ મહેશભાઈ કસવાલા તાત્કાલિક એક પ્રતિનિધિમંડળ સાથે ભાવનગર ખાતે ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ મંત્રી નિમુબેન બાંભણિયાને મળ્યા હતા.
ચર્ચા દરમિયાન મંત્રીએ ઉદ્યોગની હાલત અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને કાચા માલની અછત, નિયમનાત્મક મુશ્કેલીઓ અને ટેકનિકલ સુધારા અંગે વેપારીઓએ રજૂ કરેલા મુદ્દાઓ પર મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. વધુમાં, કાંટા વેપારી અગ્રણી વિપુલભાઈ (મનાથ સ્કેલ) સાથે મંત્રીએ સીધી ટેલિફોનિક વાતચીત કરી હતી, જેથી જમીન સ્તરે હાલની પરિસ્થિતિ વિશે ચોક્કસ માહિતી મેળવી શકાય. મંત્રીએ ખાતરી આપી કે સાવરકુંડલાના કાંટા ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં તેમની આગેવાનીમાં દિલ્હીમાં સંબંધિત વિભાગો સમક્ષ ચર્ચા કરવા જશે. તેઓએ આશ્વાસન આપ્યું કે આ ઉદ્યોગને ફરી બેઠો કરાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આ તાત્કાલિક કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં આશાની લહેર ફરી વળી છે. કાંટા ઉદ્યોગને નવી ઊર્જા મળી રહે તો સાવરકુંડલાની આર્થિક અને રોજગારીની સ્થિતિમાં પણ સુધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai