અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલીના એક પરિવારમાં અદભુત ત્યાગ અને શ્રદ્ધાનો દાખલો સામે આવ્યો છે. રાજુલાની ગોવર્ધનનાથજી હવેલીના મુખ્યજી પરિવારની દીકરી જાગૃતિબેનના જમાઈ મૌલિકની બંને કિડની ફેલ થઈ જતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. ડૉક્ટરોની સલાહ મુજબ, મૌલિકને તરત જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી. અનેક તપાસો બાદ ખબર પડી કે તેની સાસુ જાગૃતિબહેનની કિડની યોગ્ય છે, પરંતુ એક મોટો અવરોધ હતો – તેમનું ઉમર 58 વર્ષ અને વજન 80 કિલો.
ડોક્ટરો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કિડની દાન માટે પહેલા વજન ઓછું કરવું ફરજિયાત છે. આ પડકાર સામે જાગૃતિબહેન ડગ્યા નહીં. તેમણે પરિવાર સામે વિશ્વાસપૂર્વક કહ્યું: “હું ત્રણ મહિનામાં જ વજન ઘટાડીને આવીશ.”
આ શબ્દોને સાકાર કરવા માટે જાગૃતિબહેને પોતાના મીઠાઈના શોખ સહિત અનેક પરેજી સ્વીકારી. દૈનિક કસરત, નિયમિત આહાર અને અડગ મનોબળથી માત્ર 105 દિવસમાં તેમણે 14 કિલો વજન ઓછું કર્યું. આ અનોખા સંકલ્પ અને મહેનતથી તેઓ કિડની દાન માટે તૈયાર થઈ શક્યા. આ કપરા સમયમાં મૌલિકની પત્ની પૂજાએ પણ અદભુત હિંમત દર્શાવી. નાની ઉંમરે આવી કસોટી સામે આવી હોવા છતાં તેણે પતિને દરેક ક્ષણે સાથ આપ્યો. આખરે નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી અને જાગૃતિબહેનની કિડની મૌલિકના શરીરમાં કાર્યરત થઈ ગઈ. પરિવારમાં દિલીપભાઈના ભાઈ બીપીનભાઈ જોશી અને ભાભી નિલાબેનનો વિશેષ સહકાર રહ્યો. આજે મૌલિકનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને પરિવાર આ નવા જીવન માટે માતૃતુલ્ય સાસુ જાગૃતિબહેનનો આભારી છે.
આ કથા સાબિત કરે છે કે શ્રદ્ધા, ત્યાગ અને અડગ મનોબળથી અસંભવ લાગતું પણ શક્ય બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai