પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં સ્થિત કાલિકા માતાનું મંદિર સોલંકી યુગના રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. 1123માં સ્થાપ્યું હતું. 900 વર્ષ જૂના આ મંદિરમાં નવરાત્રીના પર્વે ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ છે. પ્રથમ નોરતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યે જવારાવાવાની અને ઘટસ્થાપનની વિધિ સાથે નવરાત્રીના ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો.
માતાજીનો શણગાર દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બેંગ્લોર, મુંબઈ અને કલકત્તાથી લવાયેલા તાજા ફૂલો અને ઓસ્ટ્રેલિયા-અમેરિકાથી મંગાવાયેલા સુગંધિત રેશમી ફૂલોથી દૈનિક ફૂલહાર તૈયાર થાય છે. દરરોજ સવારે એક કલાકની મહેનતથી બનાવાયેલા આ ફૂલહારમાંથી માતાજીને શણગારવામાં આવે છે. મંદિરમાં સવારની આરતી 10:10 વાગે અને સાંજની આરતી 7:15 વાગે થાય છે. સાંજે 7:45 વાગે સ્તુતિ, પ્રાર્થના અને આનંદભર્યો ગરબો યોજાય છે. દર્શન રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલુ રહે છે.
30 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી દર્શકભાઈ ત્રિવેદી પરિવારના યજમાનપદે લક્ષ્મી હોમ યોજાશે. દુર્ગાષ્ટમીએ સાંજે 5 વાગે માતાજીની પાલખી યાત્રા નીકળશે અને 6:30 વાગે મહાલક્ષ્મી મંદિરે પૂજન થશે. ત્યારબાદ વ્યાસ પરિવારના યજમાનપદે રાત્રે 10 વાગે લક્ષ્મી હોમ શરૂ થશે. મધ્યરાત્રે 12:30 વાગે સંધિપૂજા અને માતાજીને વિવિધ વ્યંજનોનો નૈવેદ્ય ધરાવવામાં આવશે. દર્શન રાત્રે 3 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. દશેરાના દિવસે બપોરે 12 વાગે ઘટ ઉથાપન અને જવારાની વિધિ સાથે કાર્યક્રમ સમાપ્ત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ